દિલ્હી કેપિટલ્સની ટીમને ભાગ્યએ સાથ આપવાનું જ બંધ કરી દીધું હોય તેવી રીતે આઈપીએલમાં સળંગ ચોથો પરાજય મળ્યો છે. આ સાથે જ ટૂર્નામેન્ટમાં એક-એક બોલ, એક-એક રન મહત્ત્વનો બની ગયો હોય તેવી રીતે સતત ત્રીજા દિવસે મેચનું પરિણામ છેલ્લા બોલ પર આવ્યું હતું. દિલ્હીએ આપેલા 173 રનના લક્ષ્યાંક સામે છેવટ સુધી ચાલેલી કશ્મકશમાં અંતે મુંબઈએ બાજી મારી લઈ જીતનું ખાતું ખોલાવ્યું છે. અંતિમ ઓવરમાં મુંબઈને જીત માટે પાંચ રનની જરૂર હતી. ટીમ ડેવિડ અને કેમરન ગ્રીન પીચ ઉપર હતા. આ ઓવરમાં કેચ છૂટ્યો, રનઆઉટ બચ્યો અને અંતિમ બોલે ટીમને જીત મળી હતી મતલબ કે 20મી ઓવરમાં એ બધું જ બન્યું જેના કારણે ક્રિકેટરસિકોના હૃદયના ધબકાવારા વધી ગયા હતા.
ઓછો બાઉન્સ લેતી પીચ ઉપર દિલ્હીના બેટરોને રમવામાં પરેશાની થઈ રહી હતી ત્યાં રોહિત (65 રન)નું બેટ જોરદાર ગર્જ્યું હતું. તેણે 29 બોલમાં ફિફટી પૂર્ણ કરી હતી. રોહિતના બેટમાંથી 25 ઈનિંગ (બે વર્ષ બાદ) પછી આ ફિફટી આવી છે. દિલ્હીએ પહેલી ત્રણ ઓવરમાં 29 રન બનાવ્યા હતા તો મુંબઈએ તાબડતોબ 42 રન બનાવી દીધા હતા. રોહિત અને ઈશાને મેદાનની ચારે બાજુ શોટસ રમ્યા હતા. 13મી ઓવરમાં અક્ષર પટેલના બેટમાંથી પહેલો છગ્ગો આવ્યો હતો. જ્યારે મુંબઈએ પાવરપ્લેમાં જ ત્રણ છગ્ગા લગાવી દીધા હતા જે ત્રણેય રોહિતે ફટકાર્યા હતા.
રોહિત અને ઈશાને પહેલી વિકેટ માટે 44 બોલમાં 71 રનની ભાગીદારી કરી મુંબઈની જીતનો પાયો નાખ્યો હતો. મુંબઈના ડાબા હાથના બેટર તીલક માટે આ સીઝન ઘણી જ સારી જઈ રહી છે. ફરીવાર તેણે રોહિતનો સાથ નીભાવ્યો અને 29 બોલમાં 41 રન બનાવ્યા હતા.
મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે હરાવ્યું હતું. મુંબઈને મળેલા 173 રનના ટાર્ગેટને છેલ્લા બોલે ચેઝ કરી લીધો હતો. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી સૌથી વધુ કેપ્ટન રોહિત શર્માએ 45 બોલમાં 65 રન ફટકાર્યા હતા. તો તિલક વર્માએ 29 બોલમાં 51 રન બનાવ્યા હતા. ઈશાન કિશને 31 રન કર્યા હતા. દિલ્હી તરફથી સૌથી વધુ મુકેશ કુમારે 2 વિકેટ લીધી હતી. મુસ્તફિઝુર રહેમાનને 1 વિકેટ મળી હતી.