જામનગર તાલુકાના મોરકંડા ગામના પાટીયા પાસેથી બાઈક પર પસાર થતા યુવાને બાઈક પરનો કાબુ ગુમાવી દેતા સામેથી આવતા બાઈક સાથે અથડાતા બાઈકસવાર વ્યક્તિનું મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના મોરકંડા ગામના પાટીયા નજીકથી ગત તા.14 એપ્રિલના રોજ સવારના સમયે જીજે-10-ડીએસ-6689 નંબરના બાઈકસવારે તેનું બાઈક પૂરઝડપે બેફીકરાઇથી ચલાવી કાબુ ગુમાવતા સામેથી આવી રહેલા બાઈક સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઈકચાલક કાનજીભાઈને શરીરે તેમજ માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે બાઈક અથડાવનારને નાની-મોટી ઈજાઓ થઈ હતી. બનાવમાં ઘવાયેલા બંને બાઈકસવારોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં બાઈકસવાર કાનજીભાઈનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે અશોકભાઈ દેવજીભાઈ રાઠોડ નામના પ્રૌઢ દ્વારા જાણ કરાતા પીએસઆઈ સી.એમ. કાંટેલિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી બાઈકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.