દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી જાણે અષાઢી માહોલ છવાયો હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે. ગતસાંજથી ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઠેર-ઠેર ભારે ઝાપટા વરસતા કલ્યાણપુર અને દ્વારકા તાલુકામાં નોંધપાત્ર દોઢ ઈચ વરસાદ વરસી જવા પામ્યો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ગઇકાલથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાતાવરણ પલટાયું હતું અને વાદળોની જમાવટ વચ્ચે દ્વારકા-ઓખા વિસ્તારમાં 29 મી.મી. વરસાદ વરસી ગયો હતો. આ સાથે આજે પણ દ્વારકામાં સવારના સમયે ભારે ઝાપટા રૂપે 7 મી.મી. વરસાદ વરસી જવા પામ્યો છે. આમ, દ્વારકામાં ગઈકાલે બપોરથી આજે સવાર સુધીમાં દોઢ ઈંચ (36 મી.મી.) પાણી પડી ગયું હતું. જેના પગલે માર્ગ ઉપર પાણી ચાલી નીકળ્યા હતા.
જ્યારે કલ્યાણપુર તાલુકામાં આજે સવારે મેઘરાજાએ સટાસટીબોલાવી હતી અને જુદા જુદા વિસ્તારોમાં 26 મી.મી. પાણી વરસાવી દીધું હતું. આ સાથે ગઈકાલે પણ અવિરત રીતે અડધો ઈંચ (12 મી.મી.) સહિત આજે સવાર સુધીમાં કલ્યાણપુર તાલુકામાં દોઢ ઈંચ (38 મી.મી.) કમોસમી વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
ખંભાળિયા તાલુકામાં પણ માવઠાનું જોર રહ્યું હતું. જેમાં આજે સવારે 16 મી.મી. તેમજ ગઈકાલે 8 મી.મી. મળી એક ઈંચ (24 મી.મી.) વરસાદ વરસી જવા પામ્યો છે. વરસાદના પગલે રસ્તાઓ પાણીથી તરબતર બન્યા હતા. જ્યારે ભાણવડ તાલુકામાં માત્ર હળવા છાંટા વચ્ચે 2 મી.મી. વરસાદ નોંધાયો છે.
આમ, અવિરત રીતે વસેલા માવઠાથી વાતાવરણ ઠંડુગાર બની રહ્યું હતું અને સવારના સમયે સૂર્યનારાયણના દર્શન થયા ન હતા. આ નોંધપાત્ર વરસાદ વરસતા લોકોએ છત્રી અને રેઈન કોટનો સહારો લેવો પડ્યો હતો. આ કમોસમી માવઠાના પગલે જુદા જુદા સ્થળોએ ખેતરમાં રહેલા પાકને નુકસાની થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
View this post on Instagram


