છોટીકાશીના સુપ્રસિધ્ધ બાલા હનુમાન મંદિરને 60 વર્ષ પૂર્ણ કરી 61 માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. આ ષષ્ઠીપૂર્તિ વર્ષ નિમિત્તે બાલા હનુમાન મંદિરે વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં. વિશ્વ પ્રસિધ્ધ એવા બાલા હનુમાનજી મંદિર ખાતે છેલ્લાં 60 વર્ષથી અવિરત રામધૂન ચાલી રહી છે. પૂ. પ્રેમભિક્ષુજી મહારાજ દ્વારા વિજય મહામંત્ર એવા ‘શ્રી રામ જય રામ જય જય રામ’ ની 1964 માં શરૂઆત કરી હતી. આમ, આજે સતત 60 વર્ષથી કોઇપણ સંજોગોમાં આ રામધૂન અવિરત ચાલુ છે. ત્યારે 61 માં વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે સાંજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ મહાઆરતીમાં બાલા હનુમાનજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલ સહિત છોટીકાશીના ભાવિકો ખૂબ મોટી સંખ્યામાં આ આરતીમાં જોડાયા હતાં. ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવનાર સુપ્રસિધ્ધ એવા બાલા હનુમાનજીના મંદિરમાં ચાલતી અખંડ રામધૂન એ છોટીકાશીના નગરજનો માટે ગૌરવની ક્ષણ છે. ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં રામભકતો એ આ મહાઆરતીમાં જોડાઈને તેનો લાભ લીધો હતો. તેમજ બાલા હનુમાનજી મહારાજ અને પ્રભુશ્રી રામજીના આશિર્વાદ મેળવ્યા હતાં.