Monday, December 23, 2024
Homeરાજ્યભીમ અગિયારશની પૂર્વ સંધ્યાએ વરસાદથી વાવણીના શ્રી ગણેશ

ભીમ અગિયારશની પૂર્વ સંધ્યાએ વરસાદથી વાવણીના શ્રી ગણેશ

ખેડૂતો મેઘરાજાને કંકુ-ચોખાથી વધાવી, વાડી-ખેતરોમાં જોતરાયાં

- Advertisement -

શનિવારે ઝાપટાથી પાંચ ઈંચ સુધી વરસાદ વરસ્યાના બીજા દિવસે રવિવારે પણ સૌરાષ્ટ્રમાં મેઘસવારી આવી પહોંચી હતી. જામનગર પંથકમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે જામનગર પંથકમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી ત્યારે જામનગરના વસઈમાં દે..ધનાધન પાંચ ઈંચ જેટલો વરસાદ વરસી પડયો હતો. જ્યારે લાલપુરના પડાણામાં પોણા ચાર ઈંચ જળવર્ષા થઈ હતી. તદુપરાંત રાજકોટમાં બે ઈંચ સહિત મોરબી, જૂનાગઢ પંથક તાલાલા ગીર સહિતના ગામોમાં પણ વાવણીલાયક વરસાદ થયો હતો. ભીમ અગિયારસની પૂર્વ સંધ્યાએ આવેલા સમયસરના વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા અને ખેતરોમાં કંકુ-ચોખા, અબિલ-ગલાલ પધરાવી શાસ્ત્રોક્ત વિધિથી વાવણીના શ્રીગણેશ કર્યા હતા.

રાજકોટ શહેરમાં બે ઈંચ વરસાદ વરસતા મોસમનો કુલ વરસાદ સવા પાંચ ઈંચ થયો છે. જામનગરના વસઈમાં પાંચ ઈંચ, લાખાબાવળમાં એક, મોટી બાણુંગારમાં બે, ફલ્લામાં પોણો, જામવંથલીમાં એક, દરેડમાં સવા, નિકાવામાં અડધો, મોટા પાંચદેવડામાં પોણો, શેઠ વડાળામાં એક, વાંસજાળીયામાં પોણા બે, પડાણામાં પોણા ચાર, ભણગોરમાં દોઢ, ડબાસંગમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. ભાવનગરના ઉમરાળા, પાલીતાણા, શીહોરમાં એક, ભાવનગર શહેર, ઘોઘા, ગારીયાધાર વલભીપુરમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો.

જૂનાગઢ જિલ્લામાં ત્રીજા દિવસે પણ મેઘરાજાની મહેર ઉતરતા ભેંસાણમાં એક, વિસાવદર અને માંગરોળમાં અડધો ઉંચ, વંથલી અને જૂનાગઢમાં ઝાપટાં પડયા હતા. બપોર બાદ વરાપ નીકળતા ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કર્યા છે. સર્વત્ર ઠંડક પ્રસરી ગઇ છે.

મોરબી જિલ્લામાં રવિવારે પણ સારો વાવણીલાયક વરસાદ નોંધાયો છે. જેમાં રવિવારે સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધીમાં ટંકારા તાલુકામાં 33 મીમી, માળિયા તાલુકામાં 32 મીમી અને વાંકાનેર તાલુકામાં 31 મીમી વરસાદ વરસ્યો છે. જયારે હળવદ તાલુકામાં 06 મીમી વરસાદ નોંધાયો છે. પણ વરસાદને પગલે વાંકાનેરના અનેક વિસ્તારમાં વીજળી ગૂલ થઇ હતી.
તાલાલા પંથકના બે દિવસના વરસાદી માહોલ બાદ આંબળાશ ગીર અને ઘુંસીયા ગીર સહિતના 15 જેટલા ગામોમાં વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી પ્રસરી ગઇ છે. આંબળાશ ગીર- ઘુંસીયા ગીર વિસ્તારના ગામોમાં ખેડૂતોએ વાવણીકાર્ય શરૂ કરી દીધું છે.

કાલાવડમાં બપોરે 2 થી 6 વાગ્યા સુધીમાં 66 મીમી (2ાા) ઇંચ વરસાદ પડયો હતો. તાલુકાના ગામડામાં સારો વરસાદ પડી જતાં ખેડૂતભાઇઓ વાવણીના કાર્યમાં જોડાયા હતા. ધોધમાર વરસાદ પડતા કાલાવડની ફલકુ નદીમાં પૂર આવેલ હતું.
આમરણ ચોવીસી પંથકમાં બપોરે બે કલાકમાં 3 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસી જતાં આનંદની લાગણી ફેલાઇ છે.

ખેતરો પાણીથી છલોછલ ભરાઇ ગયા છે. કિસાનો વાવણીની તૈયારીમાં લાગી ગયા છે. આમરણ તેમજ ધૂળકોટ- બાદનપર- જીવાપર- કેરાળી- ખારચિયા વગેરે ગામોમાં 2 ઇંચ જેટલો વરસાદ થયો છે. જયારે બેલા- ઉટબેટ શામપર- ફડસર વગેરે દરિયા કાંઠાળ ગામોમાં 3 ઇંચ વરસાદ પડી ગયાનું જાણવા મળે છે. બસ સ્ટેશન વિસ્તારમાં બે ફુટ જેટલા પાણી ભરાયા છે. મોસમનો પ્રથમ વરસાદ વાવણીજોગો વરસી જતાં ખુશીની લાગણી ફેલાઇ છે.

કાલાવડ પંથકના વજીર ખાખરિયા અને આસપાસના ગામોમાં સવારથી વરસાદ વરસવો શરૂ થયો હતો. જે બપોરે 4 સુધીમાં આશરે ચાર ઇંચથી વધારે વરસાદ વરસ્યો હોવાનું ખેડૂત અગ્રણી ભવાનભાઇ મેંદપરાએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યુ કે, ધીમી ધારે વરસેલ વરસાદ ધરતીને સંતુષ્ટિ આપતાં સચરાચર વરસ્યો હતો. જામકંડોરણામાં બપોરના સમયે વરસાદી ઝાપટું પડી ગયું હતું.

યાત્રાધામ વિરપુરમાં આજે સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસતાં રસ્તા પણ ગોઠણડૂબ પાણી ભરાતા વાહનચાલકો પરેશાન બન્યા હતા. માત્ર દોઢ ઇંચ વરસાદમાં તંત્રની પોલ ખુલી હતી. હાઇવે પરથી જલારામ બાપાની જગ્યા તરફ રસ્તામાં નદીઓની જેમ પાણી વહેવા લાગ્યું હતું. જેને કારણે યાત્રાળુઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. તો બીજી તરફ વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો હતો. ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા હતા. હોસ્પિટલના મેદાનમાં પણ પાણી ભરાયા હતા.

ટંકારામાં 33 મીમી વરસાદ પડેલ છે. આ સાથે સીઝનનો અત્યાર સુધીનો કુલ 61 મીમી વરસાદ પડેલ છે.

જેતલસર ગામ અને પંથકમાં બે દિવસથી વરસતા વરસાદથી વાવણીલાયક વરસાદ થયાની ખેડૂતોમાં ખુશી દેખાય છે. બે દિવસમાં ઓછા-વધતા સ્વરૂપે દોઢ-બે ઇંચ વરસાદ પડયાનું ખેડૂતોનું અનુમાન છે.

માળિયાહાટીના અને તાલુકામાં ગઇકાલે બે થી ચાર ઇંચ જેટલો વરસાદ થઇ ગયો. વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળે છે. સમગ્ર તાલુકામાં વાવણીલાયક વરસાદ પડયા બાદ રવિવારે સવારથી જ વરાપ નીકળી છે. ત્યારે મોટાભાગના ખેડૂતો ધરતીપુત્રોએ ખેતરમાં બળદ ગાડું સાતી જોડી શ્રીફળ વધેરી કંકુથી બળદ સાતીનું પૂજન કરી મીઠા મોઢા કરાવી ગોળધાણા ધરી ખેડૂતોએ વાવણી શરૂ કરી હતી. અબિલ-ગુલાલ, કંકુ-ચોખા ખેતરમાં પધરાવી સારી ઉપજની પ્રાર્થના કરી હતી.

વિરમગામમાં રવિવારે સવારે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં ગોયાફળી વિસ્તારમાં આવેલ એક જર્જરિત બંધ મકાન ધરાશાયી થતાં એક વાછરડું દટાઇ જતાં મૃત્યુ થયું હતું અને નજીકમાં પાર્ક કરેલી કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર તંત્રને જર્જરિત મકાન સંબંધે રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં આવ્યા નહોતા. દિવસ દરમિયાન બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular