જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં રહેતાં વૃદ્ધને એસ.ટી. ડેપોના ગેઈટ પાસે બેફીકરાઇથી આવતી જૂનાગઢ-જામનગર રૂટની એસ.ટી. બસના ચાલકે ઠોકર મારી હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યાના બનાવમાં પોલીસે બસચાલક વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ મુળ રાજકોટના રૂખડિયાપરામાં રહેતા અને હાલ જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રહેતા સાલેમામભાઈ સોઢા નામના વૃધ્ધ ગત 4 જૂનના રોજ સવારના સમયે જામનગર શહેરમાં એસ.ટી. બસ સ્ટેન્ડ ગેઈટ નં.2 ની બહાર આવેલી હોટલ પાસે ઉભા હતાં તે દરમિયાન પૂરઝડપે બેફીકરાઇથી આવતી જીજે-18-ઝેડ-7165 નંબરની જૂનાગઢ-જામનગર રૂટની બસના ચાલકે વૃદ્ધને હડફેટે લેતા શરીરે અને માથામાં તથા પગમાં ગંભીર ઈજા પહોંચી હતી ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મંગળવારે સાંજના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પુત્ર સલીમ દ્વારા જાણ કરાતા પીએસઆઈ આર.કે. ગુસાઈ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી એસટી બસના ચાલક વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.