કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામના પરબડી સીમ વિસ્તારમાં ગત રાત્રિના સમયે નિંદ્રાધિન વૃદ્ધ ઉપર અજાણ્યા શખ્સોએ ધારીયા જેવા તિક્ષ્ણ હથિયારના અનેક ઘા ઝીંકી કરપીણ હત્યા નિપજાવી પલાયન થઈ ગયા હતાં. બાદમાં બનાવની જાણના આધારે સ્થળ પર દોડી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી તપાસ આરંભી હતી.
આ અંગે આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ, કલ્યાણપુર નજીક આવેલા ખાખરડા ગામની પરબડી સીમમાં રહેતા વજુભા બનેસંગ જાડેજા નામના આશરે 80 વર્ષના વૃદ્ધ ગઈકાલે સોમવારે રાત્રિના આશરે 8:30 વાગ્યાના સમયે પોતાની વાડીના મકાનના ફળિયામાં સુતા હતા. ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ આ સ્થળે આવી, અને વજુભા જાડેજા ઉપર ધારીયા જેવા તીક્ષ્ણ હથિયાર વડે ગળાના તેમાં શરીરના અન્ય ભાગમાં હુમલો કરતા તેમને જીવલેણ ઈજાઓ થવા પામી હતી. જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ બનતા કલ્યાણપુરના પી.એસ.આઈ. યુ.બી. અખેડ તેમજ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરી હતી. નિર્મમ હત્યાના આ બનાવે નાના એવા ખાખરડા ગામમાં ભારે ચકચાર પ્રસરાવી છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લાં 6 માસથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક પછી એક હત્યાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. શહેરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં હત્યાની વધતી જતી ઘટનાઓથી હાલારવાસીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. હાલારમાં છેલ્લાં છ માસ દરમિયાન આઠથી વધુ હત્યાઓ પોલીસ દફતરે નોંધાઈ છે. તેની સાથે સાથે હત્યાના પ્રયાસોની ઘટનાઓએ પણ માજા મૂકી છે. જાહેરમાં હુમલાઓ થઈ રહ્યા છે. ગુનેગારોમાં પોલીસનો ખોફ ઓસરતો જતો હોય તેવું બની રહેલી ઘટનાઓ અને ગુનાઓ ઉપરથી જણાઈ રહ્યું છે.