મીઠાપુરના ટાઉન વિસ્તારમાં આવેલી એક આંગણવાડીમાંથી બે દિવસ પૂર્વે તેલના ડબ્બા તથા પાઉચની ચોરી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આ પ્રકરણ અંગે મીઠાપુરમાં જુના ફ્લેટ વિસ્તારમાં રહેતા અને આંગણવાડીમાં નોકરી કરતા અફસાનાબેન ઈબ્રાહીમભાઇ સુમારભાઈ ભીખલાણી (ઉ.વ. 27) એ મીઠાપુર પોલીસમાં જાહેર કરેલી વિગત મુજબ સોમવાર તારીખ 2 ના રોજ બપોરે 2 વાગ્યાથી ગઈકાલે મંગળવારે સવારના 9:30 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન મીઠાપુર ટાઉન વિસ્તારમાં આવેલી આંગણવાડીના બે રૂમના પાછળના દરવાજાના આગરીયા તોડી, કોઈ તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો.
આંગણવાડીમાં રાખવામાં આવેલા રૂપિયા 12,100 ની કિંમતના સીંગતેલ ભરેલા સાડા પાંચ ડબ્બા તથા રૂપિયા 7,497 ની કિંમતના એક-એક લીટરવાળા 51 તેલના પાઉચ કોઈ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હતા. આમ, કુલ રૂપિયા 19,597 ના મુદ્દામાલની ચોરી થવા સબબ મીઠાપુર પોલીસે આઈ.પી.સી. કલમ 380, 454 તથા 497 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.