ભારતીય બોક્સર લવલીના બોરગોહેન (75 કિ.ગ્રા.) અને પરવીન હુડ્ડા (63 કિ.ગ્રા)એ જોર્ડનના અમ્માનમાં ચાલી રહેલી એશિયન બોક્સિગં ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ફાઈનલમાં લવલીનાએ ઉઝબેકિસ્તાનની રૂજમેતોવા સોખિબાને અને પરવીને જાપાનની કિટો માઈને 5-0થી હરાવી હતી.
ટોક્યો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા લવલીનાએ હરિફ ખેલાડી વિરુદ્ધ પ્રથમ રાઉન્ડથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું. તેણે આખા બાઉટ દરમિયાન ક્યારેય પણ હરિફ ખેલાડીને તક આપી નહોતી અને સર્વસંમત નિર્ણયથી મેડલ હાંસલ કર્યો હતો. જ્યારે વર્લ્ડ ચેમ્પિયનશિપની બ્રોન્ઝ મેડલ વિજેતા પરવીન કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ શકી નહોતી પરંતુ તેણે અહીં ચોથા ક્રમાંકની માઈ વિરુદ્ધ દબદબો બનાવી રાખ્યો હતો અને તેણે પણ સર્વસંમતથી જીત મેળવી હતી.
બીજી બાજુ મીનાક્ષીએ એશિયન ચેમ્પિયનશિપમાં ડેબ્યુ કરી પોતાનું અભિયાન સિલ્વર મેડલ જીતીને પૂર્ણ કર્યું હતું.
મીનાક્ષીની સંપૂર્ણ કોશિશ છતાં ગોલ્ડ મેડલ મુકાબલામાં જાપાનની કિનોશિતા સામે વિભાજિત નિર્ણયમાં 1-4થી હારી ગઈ હતી. બીજા ક્રમાંકની જાપાની ખેલાડી વિરૂધ્ધ મીનાક્ષીની શરૂઆત ધીમી રહી જ્યારે હરિફ મુક્કેબાજે તેનો પૂરો લાભ ઉઠાવ્યો અને પાંચમાંથી ચાર જજનો નિર્ણય પોતાના પક્ષમાં કરાવ્યો હતો. બીજા રાઉન્ડમાં પણ મીનાક્ષી સચોટ પંચ મારી શકી નહોતી. જ્યારે જાપાની બોક્સરે યોગ્ય જગ્યાએ મુક્કા ફટકારીને પોઈન્ટ મેળવ્યા અને સારો બચાવ કર્યો હતો. અંતિમ ત્રણ મિનિટમાં મીનાક્ષીએ શાનદાર વાપસી કરીને તાલમેલ જાળવ્યો હતો.