સરકારી-ખાનગી શાળા-કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને 50 ટકા ફી માફ કરવા જામનગર એનએસયુઆઇ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.
કોરોના મહામારી દરમિયાન સરકાર દ્વારા રાજ્યમાં તમામ શાળા-કોલેજો બંધ કરવામાં આવી છે. આથી ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને પાણી, સફાઇ જેવા દૈનિક ખર્ચાઓ થતાં નથી. બીજીબાજુ લોકડાઉનના કારણે મધ્યમ અને નાના વર્ગના નોકરી-ધંધા, રોજગાર કરતાં પરિવારો આર્થિક સંકળામણ ભોગવી રહ્યાં છે. આવા સમયે મધ્યમ પરિવારોને જીવન નિર્વાહના ફાફા છે. તેવા સમયે કેટલીક શાળાઓ દ્વારા એડવાન્સ ફી જમા કરાવવા સંદેશાઓ પાઠવવામાં આવી રહ્યાં છે. આથી આગામી સમયમાં હજૂ શાળા-કોલેજો ક્યારે શરુ થશે તે નક્કી નથી. જેને ધ્યાને લઇ 25 ટકા ફી શાળા-કોલેજો તરફથી તથા બાકીની 25 ટકા ફી રાજ્ય સરકાર દ્વારા એમ મળીને 50 ટકા ફી માફ કરવા એનએસયુઆઇ જામનગર દ્વારા આવેદનપત્રમાં માંગણી કરવામાં આવી છે. યુવક કોંગ્રેસ પ્રમુખ ડો. તૌસિફ ખાન પઠાણ, એનએસયુઆઇ જામનગર શહેર જિલ્લા પ્રમુખ મહિપાલસિંહ જાડેજા, શક્તિસિંહ જેઠવા ઉપરાંત એનએસયુઆઇના હોદ્ેદારો તથા કાર્યકરો ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવ્યું હતું.