જામનગર જિલ્લામાં તા.23 થી તા.26 ફેબ્રુઆરી સુધીમાં પ્રથમ વખત નેશનલ સિક્યોરીટી ગાર્ડ દ્વારા જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી રાષ્ટ્રીય કક્ષાની કાઉન્ટર ટેરેરીસ્ટ એકસરસાઈઝ યોજવામાં આવશે. આ સંદર્ભે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં વિવિધ વિભાગો વચ્ચે સમન્વય અને જરૂરી તૈયારીઓ અંગે ચર્ચા કરવા બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન એન.એસ.જી.ના અધિકારીઓ દ્વારા મોકડ્રીલના ઉદ્દેશ્યો, પ્રક્રિયા અને સલામતી સંબંધિત માર્ગદર્શિકા અંગે વિગતવાર સમજુતી આવી હતી. આ અભ્યાસનો મુખ્ય હેતુ આપત્તિ કે આતંકવાદી પરિસ્થિતિ સર્જાય ત્યારે તાત્કાલિક અને અસરકારક પ્રતિસાદ સુનિશ્ચિત કરવાનો છે. મોકડ્રિલ દરમિયાન આતંકવાદી હુમલા જેવી આકસ્મિક પરિસ્થિતિમાં ત્વરિત રિસ્પોન્સ, બચાવ અને રાહત કામગીરી કેવી રીતે સંચાલિત કરવી તે અંગે કામગીરીનું પ્રાયોગિક મૂલ્યાંકન કરવામાં આવશે. વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન, સંચાર વ્યવસ્થા અને આપાતકાલીન પ્રતિસાદ ક્ષમતા વધારવાનો આ અભ્યાસનો મુખ્ય હેતુ છે.
કલેક્ટરએ જણાવ્યું હતું કે, આ પ્રકારની મોકડ્રીલથી જિલ્લાની સુરક્ષા વધુ સતર્ક અને સજ્જ બને છે. તેમજ કોઈ પણ અનિચ્છનીય પરિસ્થિતિમાં અસરકારક કામગીરી શક્ય બનશે. મૉકડ્રિલ દરમિયાન પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, ફાયર બ્રિગેડ, હોમગાર્ડ, મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના સંબંધિત વિભાગો વચ્ચે સંકલન જાળવી સમયસર કાર્યવાહી કરવી અત્યંત આવશ્યક છે. આ માટે તમામ વિભાગોને પોતાની ફરજ અને જવાબદારીઓ અંગે સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લામાં અગાઉ પણ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય કક્ષાની મોકડ્રીલ યોજવામાં આવી હતી. ઉપરાંત સમયાંતરે પણ કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સુરક્ષા અને વહીવટીતંત્રની સતર્કતા વધુ મજબુત બને, ઉપલબ્ધ સાધનો, સંચાર વ્યવસ્થા અને માનવબળની કાર્યક્ષમતાની પ્રાયોગિક તપાસ થાય તે પ્રકારે મોકડ્રીલ્સનું આયોજન હાથ ધરવામાં આવતું હોય છે. પરિણામે કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિનો સામનો કરવા જામનગર જિલ્લો સંપૂર્ણ સજ્જ છે.
જામનગર જિલ્લો સેનાની ત્રણેય પાંખો, ઓઈલ રિફાયનરી, ઓદ્યોગિક એકમો અને દરિયાકિનારો ધરાવતો હોવાથી રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે. જામનગરમાં પ્રથમ વખત નેશનલ સિક્યોરીટી ગાર્ડ દ્વારા રાષ્ટ્રીય કક્ષાની કાઉન્ટર ટેરરિસ્ટ એકસરસાઈઝ યોજવામાં આવશે. ત્યારે આ પ્રકારની મોકડ્રિલથી આપત્તિ વ્યવસ્થાપન ક્ષમતા વધુ મજબૂત બનશે
જિલ્લા પ્રશાસન દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે મોકડ્રીલ દરમિયાન શાંતિ જાળવી પ્રશાસનને સહકાર આપે અને કોઈપણ અફવા પર વિશ્વાસ ન કરે. આ અભ્યાસ સંપૂર્ણપણે સુરક્ષા તૈયારીઓનો ભાગ છે. આવી મોકડ્રીલ્સ સમયાંતરે યોજાતા રહેવાના કારણે જામનગર જિલ્લો સુરક્ષાની દ્રષ્ટિએ સજ્જ અને સક્રિય છે.
આ બેઠકમાં જિલ્લા પોલીસ વડાશ્રી ડો.રવિ મોહન સૈની, નિવાસી અધિક કલેકટરશ્રી શારદા કાથડ, નાયબ મ્યુનીસીપલ કમિશ્નરશ્રી ઝાલા, પ્રાંત અધિકારીશ્રીઓ તથા સબંધિત વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


