રાજયની 6 મહાપાલિકાઓમાં ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજથી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. જામનગર જિલ્લા પંચાયતની 24 અને 6 તાલુકા પંચાયતની કુલ 11ર બેઠકોની ચૂંટણી માટે આજે વિધિવત જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આ સાથે જ પંચાયતો માટે ઉમેદવારી નોંધાવવાનો પણ આજથી પ્રારંભ થયો છે. મહાનગરો બાદ હવે પંચાયતોની બેઠક માટે ઉમેદવાર પસંદ કરવાની કવાયત રાજકીય પક્ષોમાં તેજ બની છે. મુખ્ય હરીફ પક્ષો ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારો પસંદ કરવા માટેનું મહામંથન શરૂ કરી દેવામાં આવ્યું છે.
જામનગર જિલ્લા પંચાયતની 24 ઉપરાંત ધ્રોલ તાલુકા પંચાયની 16, જોડિયાની 16, જામજોધપુરની 18, લાલપુરની 18, જામનગરની 26 તથા કાલાવડ તાલુકા પંચાયતની 18 બેઠકની ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યું છે. આ તમામ જગ્યાએ આજથી જ ઉમેદવારી નોંધાવી શકાશે. મહાપાલિકાની જેમ જ તાલુકા પંચાતયો માટે પણ પ્રતિબંધાત્મક આદેશો અમલમાં મૂકવામાં આવ્યા છે અને જાહેરનામું પ્રસિધ્ધ થતાં જ ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતપોતાના ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા ઝડપી બનાવી દેવામાં આવી છે. જામનગર જિલ્લાની વાત કરીએ તો તાલુકા પંચાયતોની 11ર બેઠક માટે ભાજપમાં કુલ 413 દાવેદારો નોંધાયા છે. જો જિલ્લા પંચાયતની 24 બેઠક માટે 124 દાવેદારો નોંધાયા છે. પક્ષની પાર્લામેન્ટરી કમિટી દ્વારા આ દાવેદારોમાંથી ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. મહાપાલિકાની પસંદગી પ્રક્રિયા બાદની સ્થિતિને ધ્યાનમાં રાખી ભાજપ મોવડી મંડળ દ્વારા પંચાયતોમાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. તો બીજી તરફ મોટાભાગની પંચાયતોમાં સત્તાસ્થાને રહેલી કોંગ્રેસ માટે પણ ગઢ જાળવી રાખવા પડકારજનક સ્થિતિનું નિર્માણ થયું છે. બન્ને પક્ષોમાં બળવાની સ્થિતિને ધ્યાનમાં રાખી છેક છેલ્લી ઘડીએ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવે તેવું જણાઇ રહ્યું છે.