સુપ્રિમકોર્ટના નિર્દેશ અનુસાર જામનગર જિલ્લા અધિક કલેકટર દ્વારા દિવાળીના તહેવારોને અનુલક્ષીને ફટાકડાના વેચાણ અને ઉપયોગ સંબંધિત જાહેરનામુ બહાર પાડયું છે. જેમાં રાત્રે 8 થી 10 સુધી જ ફટાકડા ફોડવા સહિતના નિયમો જાહેર કરાયા છે. આ જાહેરનામુ 15 ઓકટોબરથી 9 નવેમ્બર સુધી અમલમાં રહેશે.
અધિક જિલ્લા મેજી. ભાવેશ ખેર દ્વારા બહાર પડાયેલા જાહેરનામામાં જણાવાયું છે કે, જિલ્લામાં ફટાકડા રાત્રે 8 થી 10 દરમિયાન જ ફોડી શકાશે.ધ્વનિ પ્રદૂષણ અને કચરા સર્જતી લુમ ધરાવતા ફટાકડાની તડાફડી રાખી, વેચી કે ફોડી નહીં શકાય. પીઇએસઓ સંસ્થા દ્વારા અધિકૃત બનાવટના અને માન્ય ધ્વનિસ્તર (ડેસીબલ લેવલ)ના જ ફટાકડા વેચી, વાપરી શકાશે. હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોના 100 મીટરના દાયરાને સાયલન્ટ ઝોન ગણાય છે. ત્યાં ફટાકડા ફોડી શકાશે નહીં. વિદેશથી આયાતી ફટાકડા રાખવા, વેચવા, ફોડવા તેમજ કોઇપણ રીતે ઓનલાઇન વેચાણ પ્રતિબંધિત છે. લોકોને અગવડ ઉભી ન થાય કે, કોઇપણ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે શહેરની બજારો, શેરીઓ, ગલીઓ, જાહેરમાર્ગો, પેટ્રોલ પંપો, એલપીજી બોટલીંગ પ્લાન્ટ, એલપીજી સ્ટોરેજ અથવા અન્ય સળગી ઉઠે તેવા પદાર્થો સંગ્રહ કરેલા ગોડાઉન નજીક ફટાકડા ફોડી શકાશે નહીં. ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સ ધારક વેપારીઓએ કરવાનું રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે હેડ કોન્સ્ટેબલ સુધીના પોલીસ અધિકારી-કર્મચારીઓને ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવ્યા છે.