Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયલોકડાઉન નહીં જ: બોધપાઠ પછી સરકારનો હિંમતપૂર્વકનો નિર્ણય

લોકડાઉન નહીં જ: બોધપાઠ પછી સરકારનો હિંમતપૂર્વકનો નિર્ણય

- Advertisement -

દિલ્હી અને મહારાષ્ટ્રમાં સરકારી લોકડાઉન અને ગુજરાત સહિત દેશભરમાં સ્વૈચ્છિક લોકડાઉનના દિવસો ચાલી રહ્યા છે. એ વચ્ચે કેન્દ્રની મોદી સરકારે દેશમાં લોકડાઉન નહીં જ, એવો નિર્ણય હિંમતથી લીધો છે. આ નિર્ણયને દેશવાસીઓએ બિરદાવવો જોઇએ અને નિયમોના પાલનમાં સૌએ સરકારને સહયોગ આપવો જોઇએ. વર્ષ 2020માં કેન્દ્ર સરકારનો દેશવ્યાપી લોકડાઉનનો નિર્ણય ભૂલ ભરેલો અને કસમયનો હતો. તે આપોઆપ પૂરવાર થઇ ગયું છે. ભારત જેવાં વિશાળ અને સર્વાંગી વિકાસથી વંચિત રાષ્ટ્રને કોઇપણ સંજોગોમાં લોકડાઉન પોસાય નહીં. એક વખતની ભૂલ પછી સરકારે પોતાની ભૂલ આ વખતે પરિસ્થિતિ વધુ ગંભીર હોવા છતાં સુધારી લીધી છે.

- Advertisement -

દેશના ભાજપાશાસિત રાજયો અને કેન્દ્રની સરકાર લોકડાઉનના પક્ષમાં નથી.સરકારોનો આ નિર્ણય વ્યાજબી છે. લોકોએ સરકારને આ નિર્ણયના સમર્થનમાં સહયોગ આપવો જોઇએ. મહામારીનો ઉપાય લોકડાઉન નથી. ચેઇન તોડવાની વાતો ખરી પૂરવાર થઇ નથી. દેશના અને ગુજરાતના અનેક મહાનગરોમાં બેમતલબ રાત્રી કર્ફયુથી કોરોનાને અટકાવી શકાયો નથી.કર્ફયુ અને લોકડાઉન ઉપાયો નથી. દેશના અર્થતંત્રને 24 કલાક દોડતું રાખવું ફરજીયાત છે. મહામારીનો સામનો કરવા માટે તબીબી ઉપાયો અને તબીબી વ્યવસ્થાઓ ઝડપી અને આક્રમક હોવી જરૂરી છે. લોકડાઉનની ઘાતક અસરો આપણો દેશ સહન કરવાની સ્થિતિમાં નથી. લોકડાઉન મંદી અને બેરોજગારીનું સર્જન કરે છે. જેને પરિણામે આપઘાત અને ગુનાખોરી વધે છે. આ સ્થિતિમાં લોકડાઉન નહીં.પરંતુ સતત કામ અને સાથેસાથે પ્રધાનમંત્રીએ કહ્યું છે એમ, કોરોના દર્દીઓનું ટેસ્ટીંગ, ટ્રેકિંગ અને ટ્રિટમેન્ટ એ જ ખરા ઉપાયો છે.

દેશના નાણાંમંત્રીએ વેપાર અને ઉદ્યોગજગતને આશ્ર્વાસન આપ્યું છે કે, લોકડાઉન નહીં આવે. સરકારે આપેલું આ આશ્ર્વાસન મોટી વસ્તુ છે. આ સ્થિતિમાં આપણે સૌ મહામારીનો મક્કમતાથી અને અસરકારક રીતે સામનો કરીએ અને સતત પોતપોતાના કામમાં યોગ્ય નિયમોનું પાલન કરી વ્યસ્ત રહીએ. એ એકમાત્ર ઉપાય છે. સરકારની વિચારસરણી યોગ્ય છે, તેને સહયોગ આપીએ અને સ્વૈચ્છિક લોકડાઉન જેવા ગતકડાઓથી દૂર રહી, વ્યસ્ત રહીએ અને બિમારી અંગે સજાગ રહીએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular