ભાણવડ તાલુકાના ઢેબર ગામે એક મુસ્લિમ પરિવારના બંધ રહેણાંક મકાનમાં રાત્રિના સમયે તસ્કરોએ ત્રાટકી, આ મકાનમાં રાખવામાં આવેલો બે લાખની કિંમતનો સોનાનો ચેન ચોરી કરીને લઈ ગયાની ફરિયાદ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ, ભાણવડ તાલુકાના ઢેબર ગામે વાડી વિસ્તારમાં રહેતા આમદભાઈ ઓસમાણભાઈ હિંગોરા નામના 52 વર્ષીય મુસ્લિમ પ્રૌઢના બંધ રહેણાંક મકાનમાં ગત તારીખ 17 ના રોજ રાત્રિના એક વાગ્યાથી તા. 18 ના રોજ અગિયાર વાગ્યા સુધીના સમયગાળામાં તસ્કરોએ ખાતર પાડયું હતું.
રાત્રિના સમયે ત્રાટકેલા તસ્કરોએ આ મકાનમાં રહેલા કબાટને વેરવિખેર કરી, અને આ કબાટમાં રાખવામાં આવેલો બે લાખની કિંમતનો સોનાનો પાંચ તોલાનો ચેન ચોરી કરીને લઈ ગયા હોવાનું જાહેર થયું છે. આ બનાવ અંગે ભાણવડ પોલીસે આમદભાઈ હિંગોરાની ફરિયાદ પરથી ગુનો નોંધી, તસ્કરોને ઝડપી લેવા માટે વિવિધ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.