કોરોના વાયરસનો નવો ઓમિક્રોન વેરિયન્ટ સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. હવે આ મામલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ કહ્યું છે કે વેરીયન્ટ અત્યાર સુધીમાં 77 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. ડબ્લ્યુએચઓના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એ ગેબ્રેયેસસે કહ્યું છે કે ઓમિક્રોનને કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા અને મૃત્યુ દર વધશે. તે મોટાભાગના દેશોમાં ફેલાયો છે. WHOએ કહ્યું છે કે ઓમિક્રોન જે રીતે ફેલાઈ રહ્યો છે, અમે અત્યાર સુધી આટલી ઝડપથી ફેલાતો કોઈ વેરિયન્ટ જોયો નથી.
ડબ્લ્યુએચઓએ કહ્યું, “કોરોના વાયરસનોઓમિક્રોન વેરિયન્ટ અન્ય કોઈપણ પ્રકાર કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે.” WHO એ તમામ દેશોને અપીલ કરી છે કે તેઓ ઓમિક્રોનને ટ્રેક કરવા માટે યોગ્ય પગલાં ભરે. દેશમાં ઓમિક્રોનના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. નવા કેસ આવ્યા બાદ કુલ આંકડો 61 પર પહોંચી ગયો છે. મંગળવારે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 8 નવા કેસ નોંધાયા છે. સૌથી મોટી વાત એ છે કે આમાંથી કોઈ પણ દર્દીનો આંતરરાષ્ટ્રીય પ્રવાસનો ઇતિહાસ નથી. આ 8માંથી એક દર્દી બેંગ્લોર અને બીજો દિલ્હી ગયો હતો. તેમાંથી 7 દર્દી મુંબઈના અને 1 દર્દી વસઈ-વિરારનો છે.