વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દેશમાં ઓક્સિજનની ઉપલબ્ધતા વધારવા માટે લેવામાં આવેલા પગલાઓની સમીક્ષા કરવા બેઠક કરી હતી. તેમણે તે બાબત પર ભાર આપ્યો કે મેડિકલ ગ્રેડ ઓક્સિજનનો પુરવઠો વધારવાની સાથે સાથે, ઘર અને હોસ્પિટલોમાં દર્દીઓની સંભાળ માટે જરૂરી સાધનો ઉપલબ્ધ કરવાની તાત્કાલિક જરૂરિયાત છે.
વડાપ્રધાને ઓક્સિજન અને તબીબી સપ્લાયની ઉપલબ્ધતા માટે તમામ મંત્રાલયો અને વિભાગો સાથે સંકલન સાથે કામ કરવા પર ભાર મૂક્યો હતો. તેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે 3 મહિના સુધી ઓક્સિજન સાથે જોડાયેલ સાધનોની આયાત પર બેઝિક કસ્ટમ ડયુટી અને હેલ્થ સેસ નહીં લગાવવામાં આવે.
PM મોદીએ મહેસૂલ વિભાગને આ પ્રકારના સાધનોની આયાત પર વહેલી તકે કસ્ટમ ક્લીયરન્સ આપવાની સૂચના આપી હતી. સાથે એ નિર્ણય પણ લેવામાં આવ્યો હતો કે કોરોના વેક્સિનના આયાત પર બેઝિક કસ્ટમ ડયુટીને 3 મહિના માટે સમાપ્ત કરી દેવામાં આવે.