જામનગરમાં પોલીસ હેડક્વાર્ટર પાછળ ગોલ્ડનસીટી વિસ્તારમાં મહાનગરપાલિકા નિર્મિત આઠ માળીયા આવાસમાં રાત્રિના અઢી વાગ્યાના અરસામાં એક જ પરિવારના નવ વ્યક્તિઓ લિફ્ટમાં ફસાઈ જતાં ભારે અફડા તફડી સર્જાઇ હતી. ફાયર બ્રિગેડની ટુકડીએ દોડી જઈ દરવાજાનો લોક ખોલી સર્વેને દસ મિનિટના સમયગાળા દરમિયાન સહી-સલામત બહાર કાઢી લેતાં સર્વે એ હાશકારો અનુભવ્યો હતો.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં પોલીસ હેડ ક્વાર્ટર પાછળ ગોલ્ડન સિટી વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા આઠ માળીયા આવાસ બનાવાયા છે, જે બિલ્ડિંગમાં વસવાટ કરતો એક પરિવાર ગઈ રાત્રિના અઢી વાગ્યા ના અરસામાં બહાર ગામથી જામનગર આવ્યો હતો, અને લિફ્ટ માં ઉપર જવા માટે પ્રવેશ મેળવ્યો હતો.
જે લિફ્ટ માં એકી સાથે એક પરિવારના નવ સભ્યો પોતાના સામાન સાથે ઉપર જવા માટે પ્રવેશ્યા હતા. જે લિફ્ટ ચાલુ થયા પછી ઉપર જઈને સાતમા માળે અધવચ્ચે અટકી ગઈ હતી. જેથી લિફ્ટમાં એકજ પરિવારના નવ સભ્યો હિરેનભાઈ જોશી, ભાવિનભાઈ જોશી, મનીષભાઈ જોશી, પ્રશાતભાઈ જોશી, સંગીતાબેન જોશી, રમાબેન જોશી, હેમાલીબેન જોશી, મનિષાબેન જોશી અને ત્રિશાબેન જોશી વગેરે ફસાઈ ગયા હતા.
લિફ્ટની કેપેસિટી 580 કિલો વજનની હતી, જ્યારે તેનાથી વધુ કેપેસિટીના વ્યક્તિ પોતાના સામાન સાથે લિફ્ટમાં પ્રવેશ્યા હોવાથી અધવચ્ચે લિફ્ટ ફસાઈ હતી, અને દેકારો મચાવતાં અન્ય રહેવાસીઓ જાગી ગયા હતા, અને તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડને જાણ કરી હતી. રાત્રિના અઢી વાગ્યે મળેલા કોલને લઈને ફાયર શાખાના અધિકારી ઉમેદ ગામેતીની રાહબરી હેઠળ મયુરસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને હસમુખભાઈ વઘોરા સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આશરે દસેક મિનિટની જહેમત લઈ મુખ્ય દરવાજાનો લોક ખોલી નાખી એક પછી એક સર્વેને સહી સલામત રીતે બહાર કાઢી લીધા હતા. જેથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો. લિફ્ટમાં ફસાઈ જવાનો કિસ્સો જામનગરમાં બે દિવસના સમયગાળામાં બીજીવાર બન્યો હતો.