માઁ આદ્ય શક્તિની આરાધનાના પર્વ એવા નવરાત્રિ ને હવે ગણતરીની કલાકો બાકી રહી છે ત્યારે જામનગર શહેરમાં નવરાત્રિની તૈયારીઓ ફુલજોશમાં ચાલી રહી છે. ઠેર-ઠેર ગરબી માટેના મંડપો ઉભા થઈ ચૂકયા છે. તો બીજી તરફ બાળાઓ દ્વારા ગરબાની પ્રેકટીસની અંતિમ તૈયારીઓ ચાલી રહી છે.
છોટી કાશી તરીકે સુપ્રસિધ્ધ જામનગર શહેરમાં માઁ આદ્ય શક્તિની આરાધનાના પર્વ નવરાત્રિને લઇ નાની બાળાઓથી લઇ યુવાનોમાં અનેરો ઉત્સાહ છવાયો છે. નવરાત્રિના પર્વને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. રવિવારથી નવરાત્રિ પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે છેલ્લાં કેટલાંય સમયથી પ્રાચિન ગરબીઓ બાળાઓ ગરબીની પ્રેક્ટિસ કરી રહી છે તો બીજી તરફ અર્વાચિન નવરાત્રિ મહોત્સવ માટે યુવાધન ગરબા કલાસમાં અવનવા સ્ટેપ શીખી રહી છે ત્યારે નવરાત્રિ પર્વની તૈયારીઓ ફુલજોશમાં ચાલી રહી છે. જામનગર શહેર અને આજુબાજુના વિસ્તારમાં અંદાજિત 250 થી વધુ સ્થળોએ નાની મોટી પ્રાચિન તથા અર્વાચિન ગરબીઓના આયોજનો થાય છે. જેની તૈયારીઓ ચાલી રહી છે.
નવ દિવસ સુધી નાની બાળાઓથી લઇ યુવાધન તથા મોટેરાઓ દ્વારા માતાજીના ગુણગાન ગવાય છે. બાળાઓ ગરબે ઘુમી માતાજીની આરાધના કરે છે. જામનગર શહેરમાં પંચેશ્ર્વરટાવર, પટેલ કોલોની, શરૂ સેકશન, ગાંધીનગર, મોમાઇનગર, કડિયાવાડ, ચૌહાણફળી, દરબારગઢ, શાકમાર્કેટ, દિગ્વીજય પ્લોટ, પોલીસ હેડકવાર્ટર, સાધના કોલોની, રણજીતનગર, ખોડિયાર કોલોની, સાત રસ્તા સહિતના અનેકવિધ વિસ્તારોમાં નાની મોટી પ્રાચીન ગરબીઓનું આયોજન થાય છે. નવરાત્રિ મહોત્સવ પ્રારંભ થવાને આડે હવે માત્ર બે દિવસ બાકી રહ્યા છે ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં નવરાત્રિ મહોત્સવને લઇને માતાજીના મંડપનું સ્થાપનની તૈયારી થઈ ચૂકી છે. વિવિધ વિસ્તારોમાં મંડપ સ્ટેજ નખાઈ ચૂકયા છે અને ગરબે ઘૂમવા માટે નાની બાળાઓથી લઇ મોટેરાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. અને ગરબાના આયોજકો દ્વારા નવરાત્રિ મહોત્સવની ત્ અંતિમ ઓપ અપાઈ રહ્યો છે.