માતાજીની આરાધનાના પર્વ નવરાત્રીના પ્રારંભે દેવભૂમિ દ્વારકાના ઓખા મંડળના જુદા જુદા વિસ્તારોમાં ગરબીના આયોજનો થયા છે. જેમાં મીઠાપુર, સુરજકરાડી અને આરંભડા વિસ્તારમાં જુદા જુદા ગ્રુપો દ્વારા આદ્યશક્તિની ઉપાસના કરવામાં આવે છે. રાજકોટ રેન્જ આઈ.જી. દ્વારા અનુસૂચિત જાતિના સર્વાંગી વિકાસ માટે ઓપરેશન સમરસતા હાલ ચાલી રહ્યું છે. ત્યારે દ્વારકા તાલુકાના મીઠાપુર સુરજકરાડી અને આરંભડાને પોલીસ તંત્ર દ્વારા દત્તક લેવામાં આવ્યું છે. આ વચ્ચે આ વિસ્તારમાં પોલીસ અધિકારીઓની અનુસૂચિત મોહલ્લા વિઝીટ તેમજ તેઓના પ્રશ્નો અંગેની જાણકારી મેળવી, નિરાકરણ કરવા માટે પોલીસ તંત્રની નોંધપાત્ર જહેમત આ વિસ્તારના રહીશોમાં આવકારદાયક બની રહી છે. ત્યારે ગઈકાલે રવિવારે નવરાત્રીના પ્રથમ નોરતામાં મીઠાપુર વિસ્તારના અનુસૂચિત જાતિના લોકો દ્વારા આયોજિત ગરબીમાં ચામુંડા માતાજી અને શૈલપુત્રી માં ની પૂજા અર્ચના કરવા માટે એસ.સી. એસ.ટી. સેલના ડીવાયએસપી સમીર સારડા તથા સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચના અને માર્ગદર્શન હેઠળ મીઠાપુર સુરજકરાડી અને આરંભડાના વિસ્તારના અનુસૂચિત આગેવાનોના આમંત્રણને માન આપીને પોલીસ અધિકારીઓ ગરબીમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પરંપરાગત વસ્ત્રો સાથે માતાજીની આરાધના કરતા કરતી બાળાઓને પ્રોત્સાહન આપી, મંડળના ધાર્મિક કાર્યને બિરદાવ્યું હતું.આ ધાર્મિક આયોજનમાં ઓખા નગરપાલિકાના સુરેશભાઈ ગોહિલ, ખેંગારભાઈ બગડા, જયેશભાઈ પરમાર, ગાંગાભાઈ પરમાર, સહિતના આગેવાનો તેમજ સ્થાનિક રહીશો જોડાયા હતા