કચ્છ જિલ્લાના ભુજમાં જાણીતા અને ઐતિહાસિક હમીરસર તળાવના બ્યુટીફિકેશનથી જીવસૃષ્ટિને અસર થઈ છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણીમાં હાઇકોર્ટે મહત્વનું અવલોકન કરી સ્થાનિક તંત્ર સામે નારાજગી દર્શાવતી ટકોર કરી છે. ગુજરાત હાઇકોર્ટ તળાવના બ્યુટીફિકેશનના નામ પર જળચર પ્રાણીઓ તથા અહીં આવતા પક્ષીઓ માટે નુકસાનકારક હોવાથી ચિંતા દર્શાવતા પ્રોજેક્ટ સંદર્ભે થયેલા બાંધકામને પણ દૂર કરી રિપોર્ટ સોંપવા આદેશ કર્યો છે.
બ્યુટીફિકેશનથી હમીરસર તળાવનું અસ્તિત્વ જોખમમાં મૂકાયું છે. દર વર્ષે મોટા પ્રમાણમાં વિદેશના પક્ષીઓ અહીં તળાવમાં આવતા હતા, જે હવે નથી જોવા મળી રહ્યા. જેને લઈને કોર્ટે સ્થાનિક તંત્રને ટકોર કરી છે કે, બ્યુટીફિકેશનના નામે કેટલાય પક્ષીઓને ઉડાડી દીધા છે, શું આ પક્ષીઓને પરત લાવવામાં આવશે? જે કરવું હોય તે કરો અને તમામ બાંધકામ દૂર કરો અને પક્ષીઓને પરત લાવો. ઉપરાંત 3 મહિનામાં કરેલી કાર્યવાહીનો રિપોર્ટ સોંપવામાં આવે.
વર્ષ 2018માં હમીરસર તળાવના બ્યુટીફિકેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેની સામે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જે બાદ તેની સામે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં ઐતિહાસિક અને કુદરતી સૌંદર્યતા ધરાવતા હમીરસર તળાવનું મહત્વ અને અસ્તિત્વ જોખમમાં મુકાશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. જે બાદ બ્યુટીફિકેશનની કામગીરી પર સ્ટે મુકવામાં આવ્યો હતો.