હવામાનમાં થઈ રહેલા અકળ ફેરફારોથી મુંબઈગરા હેરાનપરેશાન છે. હજી થોડા દિવસ અગાઉ મુંબઈમાં ગરમીનો પારો ૪૦.૯ ડિગ્રી જેટલો ઉકળતો નોંધાયો હતો. તો છેલ્લા બે-ત્રણ દદિવસથી મુંબઈમાં હળવી વર્ષા પણ થઈ રહી છે.
હવામાન ખાતાએ માહિતી આપી હતી કે રાતે લગભગ આઠ વાગે મુંબઈના દાદર, માહિમ, માટુંગા, બાંદ્રા, ઘાટકોપર, સાયન, પરેલ, લોઅર પરેલ, ફોર્ટ અને આજુબાજુના વિસ્તારમાં હળવી વર્ષા થઈ હતી. સાથોસાથ ઠંડા પવનો પણ ફૂંકાયા હતા.
હવામાન ખાતાનાં સિનિયર વિજ્ઞાાની શુભાંગી ભૂતેએ માહિતી આપી હતી કે હાલ દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર પર સાથ ક્લોનિક સર્ક્યુલેશન ૧.૫ કિ.મી.ના અંતરે સર્જાયું છે. સાથોસાથ મધ્યપ્રદેશથી ઉત્તર-દક્ષિણ દિશામાં હવાના હળવા દબાણનો પટ્ટો તામિલનાડુના કોમોરીન થઈને મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળ સુધી છવાયો છે.
બીજીબાજુ આજે મુંબઈના કોલોબામાં ભેજનું પ્રમાણ ૮૭.૮૦ ટકા જ્યારે સાંતાક્રુઝમાં ભેજનું પ્રમાણ ૭૭ -૫૯ ટકા જેટલું ઘણું વધુ નોંધાયું હતું.
આવાં બદલાયેલાં કુદરતી પરિબળોની વ્યાપક અસરથી આવતા ચાર દિવસ ૧૧, ૧૨, ૧૩, ૧૪ એપ્રિલ દરમિયાન કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને વિદર્ભમાં ભારે ગાજવીજ, તોફાની પવન, કમોસમી વર્ષા સાથે કરાનો માહોલ સર્જાય તેવી શક્યતા છે.
આજે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૨.૬ અને લઘુત્તમ તાપમાન ૨૫.૦ જ્યારે સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૩.૫ અને લઘુત્તમ તાપમાન ૨૪.૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.