રાષ્ટ્રીય રસીકરણ દિવસ 2026: રાજ્યમાં ‘સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ’ સુદ્રઢ બન્યો છે, જેથી માતાઓ અને બાળકોને સુરક્ષાનું એક વ્યાપક કવચ મળી રહ્યું છે. ગુજરાત સરકારની આ નિરંતર અને અસરકારક પહેલોના પરિણામે, વર્ષ 2025-26 દરમિયાન 11.30 લાખથી વધુ શિશુઓ અને 24 લાખથી વધુ બાળકોનું સફળતાપૂર્વક રસીકરણ કરવામાં આવ્યું છે.

ભારતભરમાં આજે ‘રાષ્ટ્રીય રસીકરણ દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત રાજ્યે આરોગ્ય ક્ષેત્રે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સ્વસ્થ ભારત’ના વિઝનને સાકાર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે વર્ષ 2025-26 દરમિયાન રસીકરણના તમામ લક્ષ્યાંકો પાર કર્યા છે. રાજ્ય સરકારે માત્ર શહેરો જ નહીં પણ અંતરિયાળ ગામડાઓ સુધી રસી પહોંચાડીને 11.30 લાખથી વધુ શિશુઓ અને 24 લાખથી વધુ બાળકોનું સફળ રસીકરણ કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આ અભિયાન દ્વારા આવનારી પેઢીને ગંભીર રોગો સામે રક્ષણ આપી સુરક્ષિત ભવિષ્ય સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
રેકોર્ડબ્રેક રસીકરણ: શિશુઓ અને બાળકો માટે સુરક્ષા કવચ
ગુજરાતના ‘સાર્વત્રિક રસીકરણ અભિયાન’ હેઠળ એપ્રિલ 2025 થી ફેબ્રુઆરી 2026 ના ટૂંકા ગાળામાં રાજ્યના 11.30 લાખથી વધુ શિશુઓને સંપૂર્ણ રસીકરણ અંતર્ગત આવરી લેવાયા છે. આ આંકડાઓ રાજ્ય સરકારની કાર્યક્ષમતા દર્શાવે છે. જેમાં 11.94 લાખથી વધુ બાળકોને BCG, 11.59 લાખને પેન્ટાવેલેન્ટ અને 11.24 લાખથી વધુ બાળકોને ઓરી-રુબેલાની રસી આપવામાં આવી છે. આ ઉપરાંત, શિક્ષણ વિભાગ સાથેના સંકલનથી શાળાઓ અને બાલવાટિકાઓમાં પણ રસીકરણ ઝુંબેશ ચલાવવામાં આવી હતી, જેના હેઠળ 24 લાખથી વધુ બાળકોને સુરક્ષિત કરવામાં આવ્યા છે.
પોલિયો મુક્ત ગુજરાત: સિદ્ધિને ટકાવી રાખવા ભગીરથ પ્રયાસો
વર્ષ 2007 થી ગુજરાત પોલિયો મુક્ત રાજ્ય છે, પરંતુ આ સિદ્ધિ સતત જળવાઈ રહે તે માટે સરકાર જાગૃત છે. વર્ષ 2025 દરમિયાન રાજ્યના 14 સંવેદનશીલ જિલ્લાઓમાં વિશેષ ડ્રાઈવ ચલાવીને 0 થી 5 વર્ષના આશરે 24.65 લાખ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવ્યા હતા. “ટીકા એક્સપ્રેસ”, “મોબાઇલ મમતા દિવસ” અને “ખિલખિલાટ વાહન” જેવી સેવાઓએ રસીકરણને લોકોના ઘર સુધી પહોંચાડ્યું છે, જેના કારણે ભૌગોલિક રીતે દુર્ગમ વિસ્તારોમાં પણ એકપણ બાળક રસી વગર વંચિત રહ્યું નથી.
“સ્વસ્થ નારી, સશક્ત પરિવાર”: મહિલાઓ માટે વિશેષ પહેલ
માતાના સ્વાસ્થ્ય વિના બાળકના સ્વાસ્થ્યની કલ્પના અશક્ય છે. આ મંત્ર સાથે સપ્ટેમ્બર-ઓક્ટોબર 2025 દરમિયાન યોજાયેલા “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” પખવાડિયામાં 1.24 લાખથી વધુ સગર્ભા મહિલાઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. આ ખાસ ઝુંબેશમાં મહિલાઓને ધનુર-ડિપ્થેરિયાની રસી અને બાળકોને રોટાવાયરસ તેમજ ન્યૂમોકોકલ જેવી મહત્વની રસીઓ નિઃશુલ્ક આપવામાં આવી હતી. આ પહેલથી રાજ્યમાં નવજાત શિશુ અને માતાના મૃત્યુદરમાં પણ ઘટાડો થવાની આશા છે.
ઓરી-રુબેલા નાબૂદી અને HPV રસીકરણનો પ્રારંભ
આજના રાષ્ટ્રીય રસીકરણ દિવસ નિમિત્તે ગુજરાતે ઓરી-રુબેલા (Measles-Rubella) ને જડમૂળથી નાબૂદ કરવા માટે સઘન અભિયાન હાથ ધર્યું છે. ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તારોમાં રહેતા પરપ્રાંતિય શ્રમિકોના બાળકો પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
28 ફેબ્રુઆરીથી ગુજરાતમાં રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણ અભિયાનનો અસરકારક અમલ
તાજેતરમાં 28 ફેબ્રુઆરી, 2026ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી HPV (હ્યુમન પેપિલોમા વાયરસ) રસીકરણ અભિયાનને પણ ગુજરાત અસરકારક રીતે આગળ ધપાવી રહ્યું છે. દીકરીઓને કોઈપણ પ્રકારની આરોગ્ય સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે રાજ્ય સરકાર તમામ સુરક્ષા પ્રોટોકોલનું કડક પાલન કરી રહી છે, જેમાં રસીકરણ પહેલાં ખાલી પેટ ન હોવું અને રસીકરણ પછી 30 મિનિટ સુધી અવલોકન સુનિશ્ચિત કરવામાં છે. આ અભિયાન 14થી 15 વર્ષની વય ધરાવતી કિશોરીઓને ધ્યાનમાં રાખીને અમલમાં મૂકવામાં આવ્યું છે. ખાનગી ક્ષેત્રમાં આ રસીની કિંમત ₹3,000 થી ₹5,000 સુધીની છે, જેને રાજ્ય સરકાર પાત્ર કિશોરીઓને નિઃશુલ્ક આપી રહી છે. ભારત સરકારની આ પહેલ કિશોરીઓને સર્વાઇકલ કેન્સરથી સુરક્ષા આપવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે.


