ખંભાળિયા શહેર તથા તાલુકા પર અગાઉ ક્યારે પણ આવી પડેલી કુદરતી આપત્તિ સમયે ખંભાળિયાના મૂળ વતની શ્રી પરિમલભાઈ ધીરજલાલ નથવાણી પરિવાર દ્વારા નોંધપાત્ર અને અન્ય સહયોગ સાંપડયો છે. તેમના દ્વારા અગાઉ દુષ્કાળ, ભૂકંપ, વાવાઝોડા જેવી આપદાઓ સમયે પ્રાપ્ત થયેલી સહાય ખંભાળિયા માટે હંમેશ માટે અવિસ્મરણીય બની રહી છે.
આવું વધુ એક દ્રષ્ટાંત સામે આવ્યું છે. ખંભાળિયાના સ્વર્ગપુરી સ્મશાનમાં હાલ વધતા જતાં અંતિમ સંસ્કારની વિધિમાં અહીં લાકડાનો સ્ટોક તળિયા ઝાટક આવી જતા આ અંગે ખંભાળિયાના મુળ વતની અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીના પુત્ર અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ મોટી ખાવડીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના ધ્યાને રવિવારે આ વાત આવતા તેમણે ગઈકાલે સોમવારે તાકીદે નક્કર પગલા લઈ, અને રિલાયન્સના સહયોગથી ખંભાળિયાના સ્મશાન માટે ચાર ટ્રેકટર તથા એક ડમ્પર ભરીને લાકડા પૂરી પાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ માટે જરૂરી કાર્યવાહી કરાવી, અને આ પાંચ વાહન ગઈકાલે જ ખંભાળિયાના સ્મશાનમાં પહોંચતા કરી દેવામાં આવ્યા હતા.
હાલ સ્મશાન માટેે લાકડાનો પ્રશ્ન મહદ અંશે હલ થઈ ગયો છે. આટલું જ નહીં, આગામી દિવસોમાં પણ આ માટે લાકડાની જરૂરિયાત હોય તો તેમના દ્વારા પૂરી પાડવાની તૈયારી પણ દર્શાવવામાં આવી છે. આમ, નથવાણી પરિવારના વધુ એક વતન પ્રેમએ ખંભાળિયા પંથકના રહીશોમાં તેમના પ્રત્યે આદર સાથે આભારની લાગણી પ્રસરાવી છે.