જામનગર શહેરમાં ઠેબા ચોકડી નજીક આજે સાંજે એક યુવાન ઉપર જીવલેણ હુમલો કરાતા લોહીલુહાણ હાલતમાં સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું. બનાવની જાણ થતાં જિલ્લા પોલીસવડા ઘટનાસ્થળે દોડી ગયા હતા.
બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેર નજીક ઠેબા ચોકડી પાસે આજે સાંજેના સમયે યુવરાજસિંહ નામના યુવાન ઉપર કોઇ કારણસર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કરાતા યુવાન લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. ત્યારબાદ યુવાનને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પહેલા મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસવડા દિપન ભદ્રન તથા એલસીબી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ત્યારબાદ હોસ્પિટલે પહોંચ્યા હતા. યુવાનની હત્યાની જાણ થતાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) હોસ્પિટલે પહોંચી ગયા હતા. અને મૃતકના પરિવારજનોને શાંતવના આપી હતી. પોલીસે હત્યાની ઘટનામાં તપાસ હાથ ધરતાં પ્રાથમિક તારણમાં કોઇ નિવૃત પોલીસકર્મી દ્વારા હત્યા નિપજાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું જેના આધારે પોલીસે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.