જામનગર શહેરમાં ગુલાબનગર વિસ્તારમાં આવેલા પ્રભાતનગરમાં આજેસવારે કૌટુંબિક ડખ્ખો થતા યુવાન ઉપર જીવલેણ હુમલો કરાતા મોત નિપજતા બનાવ હત્યાનો છે કે નહીં તે અંગે પોલીસે ઘટનાસ્થળે અને હોસ્પિટલે પહોંચી જઈ તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ગુલાબનગર પાસે આવેલા પ્રભાતનગરમાં આંગણવાડી સામેના વિસ્તારમાં રહેતા એક પરિવારમાં આજે સવારે કૌટુંબિક ડખ્ખો થવાથી સશસ્ત્ર હુમલો કરવામાં આવ્યો હતો. આ સશસ્ત્ર હુમલામાં ઘવાયેલા કિશન ફતુભાઈ પરમાર નામના યુવાનને ગંભીર હાલતમાં જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જેથી હુમલાનો બનાવ હત્યાનો છે કે કેમ ? આ અંગે પોલીસે તપાસ આરંભી હતી. પ્રાથમિક વિગત મુજબ કોઇ કારણસર પરમાર પરિવારમાં ડખ્ખો થવાથી સામસામા જીવલેણ હુમલો થયો હતો. જેમાં યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે એક મહિલા પણ ઘવાઈ હતી. જેને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે અને ત્યારબાદ હોસ્પિટલે દોડી ગયો હતો અને ખરેખર બનાવ કયા કારણોસર અને કેવી રીતે બન્યો ? તે અંગેની તપાસ હાથ ધરી હતી.