ખંભાળિયા નગરપાલિકા કક્ષાના મારી માટી, મારો દેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત ગુરુવારે સાંજે કળશ યાત્રા દ્વારા કરવામાં આવી હતી.
આ અંતર્ગત વિવિધ કાર્યક્રમોમાં મહાનુભાવોના હસ્તે નિવૃત્ત જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ શીલા ફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતું. તેમજ તેની સાથે સેલ્ફી પણ લેવામાં આવી હતી. આ સાથે સૌએ પંચપ્રણ પ્રતિજ્ઞા લીધી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર અશોક શર્માએ શહીદ વીરોને શ્રદ્ધાંજલી અર્પણ કરતા જણાવ્યું હતું કે, દેશના રક્ષણ માટે ફરજ બજાવતી વખતે અનેક વીર – વીરાંગનાઓએ શહીદી વ્હોરી છે. આવા વીરોના બલિદાનને યાદ કરવા માટે માટીને નમન વીરોને વંદન કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. તિરંગાની રક્ષા કરવાની જવાબદારી આપણા સૌની છે. સશક્ત દેશ એટલે શિક્ષીત, સંસ્કારી, સમૃદ્ધ, શિસ્તબદ્ધ અને એકતાવાળો દેશ.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પરમારે જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવ’ એ ભારતની આઝાદીના 75 વર્ષની સ્મારક ઉજવણી છે. આપણે આપણી સ્વતંત્રતા માટે એ લોકોનાં ૠણી છીએ જેમણે આપણી આવતીકાલ માટે પોતાની આજ ગુમાવી દીધી. તેમાના ઘણા લોકોએ રાષ્ટ્રહીત માટે સર્વસ્વનું બલીદાન આપ્યુ છે. આપણી માતૃભુમી એ ધન્ય ભુમી છે. જેણે ઘણા બહાદુરો તથા વીરોને જન્મ આપ્યો છે. આ ભૂમિમાં જન્મ લીધો હોવાને કારણે આપણે આ ભૂમી સાથે તેમજ અહીની ભૂમિ અને લોકોમા રહેલી દેશભિકતની ભાવના સાથે જોડાયેલા છીએ.
“આઝાદી કા અમૃત મહોત્સવ” ભારતનાં એવા વીર શહીદોનાં બલીદાનોને બિરદાવવા ઉપર ધ્યાન કેન્દ્રીત કરે છે જેમણે આપણી આઝાદી માટે અમૂલ્ય યોગદાન આપ્યુ છે. આ કાર્યક્રમ અન્વયે ભારત દેશનાં વિર જવાનો તથા શહીદોને આજે આપણે યાદ કરી અને તેને શ્રધ્ધાંજલી અર્પણ કરીએ છીએ.
આ કાર્યક્રમ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, આપણી આઝાદી માટે બલિદાન આપનાર વીરોને બિરદાવવા માટે મારી માટી, મારો દેશ – માટીને નમન વીરોને વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ આજના યુવાઓ સ્વતંત્રતાનું મહત્વ સમજે તે છે. આ કાર્યક્રમ અંતર્ગત તક્તી અનાવરણ, પંચપ્રણ પ્રતિજ્ઞા, કળશ યાત્રા, વૃક્ષારોપણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તમામ ગ્રામ્ય વિસ્તારોમાંથી માટી લઇ યુવાઓ દિલ્હી જશે. જ્યાં એક અમૃતવનનું નિર્માણ કરવામાં આવશે.
આ આયોજનમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધનાણી, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, એસ.ડી.એમ. પાર્થ કોટડીયા, ડી.વાય.એસ.પી. સમીર સારડા, ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન સંજયભાઈ નકુમ, નગરપાલિકા ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા, કારોબારી ચેરમેન હીનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, મહિલા અગ્રણી નિમિષાબેન નકુમ, ઇન્દ્રજીતસિંહ પરમાર, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.