જનરલ હોસ્પિટલ ખંભાળિયા ખાતે ફિલ્ડ હોસ્પિટલનું પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ વિભાગ, કલાઈમેન્ટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
આ તકે કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, રૂા. 25 કરોડના ખર્ચે અહી ફિલ્ડ હોસ્પિટલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. ખંભાળિયા ખાતે આવેલી આ જનરલ હોસ્પિટલમાં દરરોજના 1000 જેટલા દર્દીઓ સારવાર અર્થે આવી રહ્યા છે. ત્યારે અહીં 212 બેડની સુવિધા સાથે નવી બિલ્ડિંગની સુવિધા ઉપલબ્ધ થશે તો દર્દીઓને અન્ય શહેરમાં સારવાર અર્થે જવું નહિ પડે.
સરકાર લોકોના આરોગ્ય માટે ચિંતિત રહે છે. અને જરૂરિયાતમંદ લોકોને પણ ઉત્તમ સારવાર મળી શકે તે માટે આયુષ્યમાન કાર્ડની મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો છે. વધુમાં મંત્રીએ જણાવ્યું કે, અહીં બનનારા બિલ્ડિંગની જવાબદારી સૌ લોકોની છે. અને અહીં આવનારા દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગના તમામ સ્ટાફે કાળજી રાખવી. અંદાજિત રૂા. 25 કરોડના ખર્ચે બનનારી આ ફિલ્ડ હોસ્પિટલમાં 100 જનરલ બેડ, 42 પીડીયાટ્રિક બેડ, 20 આઇ.સી.યુ. બેડ અને 50 ક્રિટીકલ બેડ હશે. અને ઇન્ટીગ્રેટેડ પબ્લિક હેલ્થ લેબોરેટરી પણ બનશે.
આ તકે જિલ્લા કલેકટર એમ. એ.પંડ્યા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી જે.આર.પરમાર, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેન ઓ, સંગઠન અગ્રણી મયુરભાઈ ગઢવી, પ્રાંત અધિકારી પાર્થ કોટડિયા, સી.ડી.એચ. ઓ., જનરલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.