View this post on Instagram
પ્રધાનમંત્રીની પ્રેરણાથી ફીટ ઇન્ડિયા/ખેલો ઇન્ડિયાના ઉદેશને સિઘ્ધ કરવા સમગ્ર દેશમાં સાંસદ ખેલ મહોત્સવ 2025નું આયોજન થયુ હતું જે અંતર્ગત જામનગરમાં સાંસદ ખેલ મહોત્સવ 2025 ડે-નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ સમાપન યોજાયો હતો. જેમાં સાંસદ પુનમબેન માડમના આમંત્રણને માન આપીને પ્રસિઘ્ધ લોકગાયિકા ગીતાબેન રબારી અને ‘લાલો’ ફીલ્મના કલાકારો રીવા રાચ્છ અને કરણ જોષી ઉપસ્થિત રહ્યા હતાં.
‘નેશનલ સ્પોર્ટસ-ડે’ના દિવસથી ખેલ મહોત્સવ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ થઇ હતી. જ્યારે 23 સપ્ટેમ્બરથી ઓશવાળ સેન્ટર જામનગર ખાતેથી આ ખેલ મહોત્સવના પ્રથમ ચરણની સ્પર્ધાઓનો આરંભ થયો હતો. જેમાં મધર સ્પોર્ટસ ટ્રેડીશનલ સ્પોર્ટસની વિવિધ 10 રમતો પસંદ કરવામાં આવી હતી. બીજા ચરણમાં તા. 18-12-2025ના દરેક ગ્રામ/વોર્ડ કક્ષાની રમતોનું સાર્વત્રીક રીતે આયોજન કરવામાં આવ્યું હતું. જેનાં 500થી વધુ સ્થળોએ 3 લાખ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો.
ત્રીજા ચરણની સ્પર્ધાઓમાં તાલુકા/ઝોન અને લોકસભા કક્ષાની રમતોનું અંતીમ ચરણમાં તા.19-12 થી 24-12 દરમિયાન વિવિધ રમતો યોજાઇ હતી. 25 ડીસેમ્બરના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતીમાં સાંસદ ખેલ મહોત્સવ 2025નો ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં જુદી જુદી ટીમ ઇવેન્ટસમાં મહિલા વિભાગોની 267 ટીમો અને પુરૂષ વિભાગમાં 1076 ટીમો મળી કુલ 1343 ટીમોએ ટીમ ઇવેન્ટસમાં ભાગ લીધો હતો. સૌથી વધુ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે 550થી વધુ ટીમોએ રજીસ્ટ્રેશન કરતા તે પૈકી 512 ટીમોએ ટુર્નામેન્ટમાં ભાગ લેતા છેલ્લા 45 દિવસથી સતત તબકકાવાર ચાલી રહેલી આ ડે-નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ફાઇનલ મુકાબલો યોજાયો હતો.
આ ફાઇનલ મેચમાં રામ ઇલેવન-ગડુ અને કે.સી.સી. ઇલેવન જામખંભાળિયા વચ્ચે રોમાંચક મેચ જોવા મળ્યો હતો. જેમાં રામ ઇલેવન ગડુ ટીમનો વિજય થયો હતો. આ સફળ ક્રિકેટ ટુર્નામેન્ટના સમાપન સમારોહમાં ગઇકાલે ખેલાડીઓને પ્રોત્સાહિત કરી અને જનતાના અભિવાદન મનોરંજન માટે સુપ્રસિઘ્ધ લોકગાયિકા ગીતાબેન રબારી અને લાલો ફીલ્મના કલાકાર રીવા રાચ્છ અને કરણ જોષીની ખાસ ઉપસ્થિતી રહી હતી તેમજ સાંસદ પૂનમબેન માડમ દ્વારા ખુબ સુંદર અને સફળ આયોજન ખુબ મોટી સંખ્યામાં ક્રિકેટ રસીકોએ માણ્યું હતું.
આ તકે સાંસદ પૂનમબેન માડમ, મેયર વિનોદભાઇ ખીમસુર્યા, પૂર્વમંત્રી અને ધારાસભ્ય મુળુભાઇ બેરા, જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસક પક્ષના નેતા આશિષભાઇ જોષી, દંડક કેતનભાઇ નાખવા, નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન પરસોતમભાઇ કકનાણી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, જિલ્લા ભાજપ પ્રમુખ વિનુભાઇ ભંડેરી, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા, મૃગેશભાઇ દવે, ભાવેશભાઇ ઠુમ્મર, જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઇ ભોજાણી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દાસાણી, ડો. વિમલભાઇ કગથરા, જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ રમેશભાઇ મુંગરા સહિતના અગ્રણીઓ, હોદેદારો, કોર્પોરેટરો, ભાજપા વિવિધ મોરચાના હોદેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.


