ગ્રીન વાયર ફાઉન્ડેશન દ્વારા ઈજછ અંતર્ગત ધ્રોલ તાલુકાના લતીપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ફાળવાયેલ નવીન એમ્બ્યુલન્સનું સાંસદ પૂનમબેન માડમે લોકાર્પણ કર્યું હતું. લતીપુર પી.એચ.સી.ને આ એમ્બ્યુલન્સ ફાળવતા હવે 13 ગામોની અંદાજીત 50 હજારથી વધુની વસ્તીની આરોગ્ય સુવિધામાં ઉમેરો થશે.
રૂ. 18 લાખના ખર્ચે ફાળવાયેલ એમ્બ્યુલન્સને લોકાર્પિત કરતા સાંસદ પુનમબેન માડમે જણાવ્યું હતું કે, લતીપુરને આ મહામારીનો ખૂબ સામનો કરવો પડ્યો છે.કોવિડની બીજી લહેર ખૂબ ઘાતક નીવડી રહી છે ત્યારે ઓક્સિજન, વેન્ટિલેટર, દવાઓ સહિતની સુવિધાઓ ઉભી કરવા સરકાર રાત દિન પ્રયત્નશીલ છે.
સાંસદએ લોકોને અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, ઘણા દર્દીઓ હોસ્પિટલ સુધી મોડા પહોંચે છે.જેના કારણે સ્થિતિ વધુ બગડે છે.ત્યારે આવા સંજોગોમાં જો સહેજ પણ કોવિડના લક્ષણો જણાય તો સત્વરે ટેસ્ટ કરાવી તાત્કાલિક સારવાર લેવી જરૂરી છે.માત્ર આટલી તકેદારી રાખીશું તો કોવિડ મૃત્યુ દર શૂન્ય સુધી લઈ જવામાં આપણે સફળ થશું.
વેકસીનેશન પર ભાર મૂકતાં સાંસદ પૂનમબેને જણાવ્યું હતું કે, હાલના સમયે કોરોનાને હરાવવા વેકસીન જ અમોઘ શસ્ત્ર છે.દરેક નાગરિકો ચોક્કસ વેકસીન લઈ પોતાને અને અન્યોને સુરક્ષિત કરે તે જરૂરી છે.
સાંસદએ એમ્બ્યુલન્સ સુવિધાના સહયોગ બદલ દિલ્હીના ગ્રીન વાયર ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ સંસ્થાએ અમારી માંગણી ગ્રાહ્ય રાખી માત્ર 3 દિવસમાં જ એમ્બ્યુલન્સ ફાળવી આ મહામારીમાં ખૂબ પ્રશંસનીય કાર્ય કર્યું છે.
આ પ્રસંગે ધારાસભ્ય રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, અમારી રજૂઆતનો પડઘો ઝીલતાં સાંસદ પુનમબેનએ તાત્કાલિક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી વિસ્તારની આરોગ્ય સુવિધામાં વધારો કર્યો, એ બાબત અભિનંદનિય છે.વધુમાં ધારાસભ્યએ લોકોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા તથા વારંવાર હાથ ધોવા વિનંતી કરી હતી.
પી.એચ.સી. લતીપુરના મેડીકલ ઓફિસર ચાંદની સોજીત્રાએ જણાવ્યું હતું કે, આ પી.એચ.સી. હેઠળ આવતા 13 ગામો વચ્ચેનું અંતર ખૂબ વધારે છે. ત્યારે આ એમ્બ્યુલન્સની સુવિધા થકી છેવાડાના ગામોના લોકોને પણ લતીપુર સુધી સારવાર લેવા આવવામાં હવે સુગમતા રહેશે તેમજ તેમનો પરિવહનનો બિનજરૂરી ખર્ચ પણ બચશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનીયારા, તાલુકા પંચાયત પ્રમુખ પોલુભા, જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, જિલ્લા મહામંત્રી દિલીપ ભોજાણી, જિલ્લા પંચાયત સભ્ય લખધીરસિંહ જાડેજા તથા મનસુખભાઇ, તાલુકા મંડળ પ્રમુખ નવલભાઈ મૂંગરા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન લવજીભાઈ, તાલુકા પંચાયત સદસ્ય બ્રિજરાજસિંહ તથા જગદીશભાઈ, સરપંચ લાલજીભાઈ, ભાજપ અગ્રણી દેવાણંદભાઈ, અગ્રણી ઉદ્યોગપતિ જમનભાઈ, ગણેશભાઈ, ડો.ભંડેરી, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બી.પી.મણવર તેમજ ગ્રામજનો તથા આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.