હાલ ચાલી રહેલા ડિફેન્સ એક્સપોમાં વિક્રમ સર્જાયો છે. પાછલા બધા જ ડિફેન્સ એક્સપોના રેકોર્ડ તોડી ડેફએક્સપો – 2022માં રૂ.1.53 લાખ કરોડના એમઓયુ થયા છે. આ 12મા ડિફેન્સ એક્સપો અંતગર્ત મહાત્મા મંદિર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની ઉપસ્થિતિમાં ‘બંધન’ સમાપન સમારોહ યોજાયો હતો.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ડિફેન્સ એક્સપો-2022ના સમાપન સમારોહમાં ઉપસ્થિત સૌ મહેમાનોનું અભિવાદન કરી જણાવ્યું હતું કે, 12મા ડિફેન્સ એક્સપો-2022માં આત્મનિર્ભર ભારતના દર્શન થાય છે. શસ્ત્ર સરંજામની આયાત કરનારા દેશ તરીકે ભારતની ઓળખ હતી એ ભારત શસ્ત્ર સરંજામની નિકાસ કરનારો દેશ બન્યો છે, જે પ્રત્યેક ભારતીય માટે ગર્વની વાત છે.
રાજ્યપાલએ જણાવ્યું હતું કે, ભારત હંમેશા શાંતિ-સૌહાર્દ અને ભાઈચારામાં માને છે. ભારતીય સંસ્કૃતિ વિશ્ર્વ બંધુત્વના ભાવ સાથે સમગ્ર વિશ્ર્વને પરિવાર માને છે ત્યારે ભારતના શસ્ત્રો હંમેશા શાંતિ માટે છે તેવું રાજ્યપાલ સ્પષ્ટપણે જણાવી ઉમેર્યું હતું કે, જ્યારે વીરતા આત્મનિર્ભરતા તથા સ્વવિકાસ માટે હોય ત્યારે અશાંતિ કરનારાઓની હિંમત ચાલતી નથી એટલે જ ભય વિના પ્રીતિ નથી હોતી એવું આપણે સ્પષ્ટ માનીએ છીએ. ભારત કોઈને છોડતું નથી અને ભારતને છેડનારાને છોડતું નથી તેમ પણ તેમણે જણાવ્યું હતું.