જામનગર નજીક આવેલા ખીજડિયા બાયપાસ પાસેથી બાઈક પર જતા પ્રૌઢને પૂરઝડપે આવી રહેલા ટ્રક ડમ્પરે ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં પ્રૌઢનું મોત નિપજ્યું હતું. જ્યારે તેમના પત્નીને અને નાની બાળકીને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર જકાતનાકા પાસે રહેતાં રસિકગીરી ગોસ્વામી નામના પ્રૌઢ શનિવારે સવારના સમયે તેમના પત્ની અને બાળકી સાથે તેમની જીજે-10-ડીએલ-3286 નંબરની બાઈક પર ખીજડિયા બાયપાસ પાસેથી પસાર થતા હતાં ત્યારે પૂરઝડપે બેફીકારઇથી આવી રહેલા જીજે-10-ટીએકસ-9009 નંબરના ટ્રક ડમ્પરે બાઈકને ઠોકર મારી પછાડી દેતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઈકસવાર રસિકગીરી ગોસ્વામી નામના પ્રૌઢને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. તેમજ તેમની પત્ની અને ચાર વર્ષની બાળકી રીયાને નાની-મોટી ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં પ્રૌઢનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર પ્રતિકગીરી દ્વારા કરવામાં આવતા પીએસઆઈ જે.પી. સોઢા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.