Tuesday, December 24, 2024
Homeરાજ્યહાલારરાવલ નગરપાલિકામાં ભડકો, શાસક પક્ષ અને વિપક્ષ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત

રાવલ નગરપાલિકામાં ભડકો, શાસક પક્ષ અને વિપક્ષ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાની કલ્યાણપુર તાલુકાની રાવલ નગરપાલિકા કે જે ભાજપ કે કોંગ્રેસના બદલે નવી જ પાર્ટી એવી વ્યવસ્થા પરિવર્તન પાર્ટી પાસે છે. અહીં સત્તાધારી જૂથના સભ્યોને સાથે રાખી અને ભાજપ કોંગ્રેસના બહુમતી સભ્યો દ્વારા નગરપાલિકાના પ્રમુખ તથા ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

- Advertisement -

કલ્યાણપુર તાલુકાના રાવલ નગરપાલિકામાં વર્ષ 2020 માં યોજાઇ ગયેલી સામાન્ય ચૂંટણીમાં કુલ 24 સભ્યો પૈકી 12 સભ્યોની બહુમતીથી સ્થાનિક પાર્ટી એવી વ્યવસ્થા પરિવર્તન પાર્ટીનું શાસન સ્થપાયું હતું. જ્યારે રાવલ પાલિકામાં હાલ ભાજપના 8 તથા કોંગ્રેસના 3 સભ્યો વિજેતા બન્યા છે. હાલ અહીં પાલિકા પ્રમુખ તરીકે મનોજભાઈ જાદવ તથા ઉપપ્રમુખ તરીકે લીલુબેન વિજયભાઈ સોલંકી સત્તા પર છે. રાવલ નગરપાલિકામાં વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના વોર્ડ નંબર એકમાંથી ચૂંટાયેલા લલીતભાઈ લક્ષ્મણભાઈ જાદવ દ્વારા પરિવર્તન પાર્ટીના સભ્યો ઉપરાંત ભાજપના તેમજ કોંગ્રેસના મળી કુલ 17 સભ્યોની સંયુક્ત સહીઓથી નગરપાલિકાના પ્રમુખ તથા ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત જિલ્લા કલેકટર સમક્ષ રજૂ કરવામાં આવી છે.

આ અવિશ્વાસની દરખાસ્તમાં જણાવાયેલા કારણોમાં પાલિકાના પ્રમુખ તથા ઉપપ્રમુખ દ્વારા સ્થાનિક સદસ્યો સાથે સંકલનમાં રહી અને કામ થતું ન હોય, તેઓને વિશ્વાસમાં પણ લેવાતા ન હોવા ઉપરાંત સરકારની ગ્રાન્ટને મન ફાવે તેમ બિનજરૂરી રીતે ખર્ચ કરવામાં આવે છે. નગરપાલિકામાં બિનજરૂરી વાહનો લઈને ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા ઉપરાંત કચરાનો વ્યવસ્થિત રીતે નિકાલ ન થતો હોવા સહિતના મુદ્દે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આમ ઉપરોક્ત મુદ્દે સત્તાધારી વી.પી.પી., ભાજપ તથા કોંગ્રેસના 17 સદસ્યોની સંયુક્ત સહિઓથી જિલ્લા કલેકટર, પ્રાંત અધિકારી તથા ચીફ ઓફિસરને અવિશ્વાસની દરખાસ્ત મોકલવામાં આવી છે.

- Advertisement -

વ્યવસ્થા પરિવર્તન પાર્ટી જામ રાવલના વિકાસમાં નિષ્ફળ ગઈ હોવાનું જણાવી, આ જ પાર્ટીના સદસ્યોએ હવે ભાજપના સમર્થન સાથે પ્રમુખ-ઉપપ્રમુખને હોદ્દા પરથી હટાવવા અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવતા ભારે ચર્ચા જાગી છે. આ દરખાસ્ત બાદ નગરપાલિકાના પ્રમુખ દ્વારા આગામી 15 દિવસમાં ખાસ બેઠક બોલાવવા માટે જણાવવામાં આવ્યું છે. પ્રમુખ જો આ બેઠક નહીં બોલાવે તો આ તે પછીના 15 દિવસમાં ઉપપ્રમુખે ખાસ બેઠક બોલાવી અને વિશ્વાસનો મત રજૂ કરવો પડશે. એક મહિનાના સમયગાળા દરમિયાન પ્રમુખ, ઉપપ્રમુખ જો બેઠક બોલાવવામાં સફળ નહીં થાય તો પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને આ બેઠક યોજવામાં આવશે. 24 પૈકી 17 સભ્યો હાલ સત્તાધારી જૂથની વિરોધમાં છે. જેથી આગામી સમયમાં સત્તા પરિવર્તન આવે તો નવાઈ નહીં તેવું ચિત્ર ખડું થયું છે. આ વચ્ચે વધુમાં જાણવા મળતી વિગત મુજબ વી.પી.પી.ના નેતાઓ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત અંગેની કામગીરી કરવા સબબ વોર્ડ નંબર એકના સદસ્ય લલીતભાઈ લક્ષ્મણભાઈ જાદવ તથા વોર્ડ નંબર 6 ના સદસ્ય હોથીભાઈ બાબુભાઈ ગામી ગામના બે સભ્યોને મંગળવારે બરતરફ તરફ કરતો હુકમ કરવામાં આવ્યો છે. જેથી સ્થાનિક રાજકારણમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
તાજેતરમાં યોજાઇ ગયેલી વિધાનસભાની ચૂંટણીમાં કલ્યાણપુરની દ્વારકા બેઠકમાં કોંગ્રેસને વધુ મતો મળ્યા હતા. આગામી ફેબ્રુઆરી માસમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની સલાયા, દ્વારકા તથા ભાણવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે. ખંભાળિયાની વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપનું શાસન આવતા તાજેતરમાં ભાણવડ નગરપાલિકાની બેઠકમાં વર્તમાન કોંગ્રેસના શાસનમાં કોંગ્રેસ અને ભાજપના સભ્યોની બહુમતીથી બેઠકમાં ઠરાવો નામંજૂર થયા હતા. ત્યારબાદ હવે રાવલ નગરપાલિકામાં પણ માત્ર બે વર્ષના સમયગાળામાં સખળ-ડખળ શરૂ થયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular