રાજ્યમાં પર્યાવરણના સંરક્ષણ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સઘન આયોજન કર્યું છે. પ્રતિ વર્ષ વધુને વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવા રાજ્ય સરકાર કટીબદ્ધ છે. આ જ હેતુ સાથે રાજ્યના સ્મશાન ગૃહોમાં હિન્દુ સમાજના મૃત વ્યક્તિઓના અંતિમ સંસ્કાર માટે ઓછા લાકડાનો વપરાશ થાય તે હેતુથી ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી (GEDA) દ્વારા સુધારેલ સ્મશાન ભઠ્ઠી (સગડી) લગાવવાની સહાય યોજના કાર્યરત છે. જે હેઠળ છેલ્લા 7 વર્ષમાં રૂા. 29.31 કરોડના ખર્ચે 6,552 જેટલી સ્મશાન ભઠ્ઠી લગાવવામાં આવી છે.
GEDA દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર હિંદુ પરંપરામાં અગ્નિસંસ્કાર વિધિ માટે લાકડાનો ઉપયોગ થતો હોય છે. જેને ઓછો કરી પર્યાવરણનું જતન કરવા માટે સુધારેલ સ્મશાનભઠ્ઠી લગાવવામાં આવે છે. સુધારેલ સ્મશાનભઠ્ઠીના ઉપયોગથી મૃતદેહના અગ્નિસંસ્કાર પાછળ વપરાતા લાકડામાં આશરે 40 થી 50 ટકા જેટલી બચત થઈ શકે છે. આ યોજનાનો મુળ હેતુ લાકડાની બચત સાથે માનવ શરીરના વધુ ઝડપી અને સ્વચ્છ અગ્નિસંસ્કાર માટે સુધારેલ સ્મશાનગૃહ વિકસાવવાનો છે. આ યોજના હેઠળ ગામના સ્મશાન ગૃહોમાં એક ઈલેક્ટ્રીક સિસ્ટમ સ્થાપિત કરવામાં આવે છે. જેની જાળવણી પંચાયત/તાલુકા પંચાયત/નગર પાલિકા દ્વારા કરવામાં આવે છે.
સુધારેલ સ્મશાનગૃહ યોજના થકી 100 ટકા હિંદુ પરંપરા મુજબ અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. આ ઉપરાંત લોકોની આસ્થા અને માન્યતાનું પણ ધ્યાન રાખવામાં આવે છે. જેમ કે, હિંદુઓની એક મહત્વપૂર્ણ વિધિ કપાલ ક્રિયા અને પંચ સમાધિ જેવી વિધીઓનો પણ અનાદર ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે છે. પરંપરાગત ખુલ્લી અગ્નિસંસ્કાર પદ્ધતિની તુલનામાં સુધારેલ સ્મશાનગૃહના ઉપયોગથી 40% થી વધુ લાકડાની બચત થાય છે. ખુલ્લી અગ્નિસંસ્કાર પદ્ધતિ માટે સ્મશાન દીઠ લગભગ 350 કિલો લાકડાની જરૂર પડે છે, જ્યારે આ યોજના થકી લાકડાની બચત કરીને પર્યાવરણનું રક્ષણ કરી શકાય છે. સુધારેલ સ્મશાનગૃહમાં અગ્નિસંસ્કાર કરવાથી ખુલ્લા અગ્નિ સંસ્કારની સરખામણીમાં પ્રદૂષણમાં પણ ઘટાડો થયો છે.
આ યોજના વર્ષ 2016થી કાર્યરત છે. આ યોજના હેઠળ વર્ષ 2022-23માં 902 જેટલી સુધારેલ સ્મશાનભઠ્ઠી લગાડવામાં આવી છે. જેની પાછળ રાજ્ય સરકાર દ્વારા રૂા. 3.67 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ યોજનાનો લાભ લેવા ઈચ્છુક ગ્રામ પંચાયત/ તાલુકા પંચાયત / નગરપાલિકાએ ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી (GEDA)નો સંપર્ક કરવાનો રહે છે.