ફલ્લા ગામ નજીક રામપર પાટીયા પાસે 40 વર્ષીય મહેશભાઈ નારણભાઈ શીલુ પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ઢોર આડુ ઉતરતા બાઈકનું બેલેન્સ ખોરવાયું હતું અને મહેશભાઈનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં મહેશભાઈના માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેઓ સ્થળ પર જ બેભાન થઈ ઢળી પડ્યા હતા. નજીકથી પસાર થઈ રહેલા કોઈ રાહદારીએ તુરંત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા જામનગર 108 એમ્બ્યુલન્સના ઇ.એમ.ટી. ગીતાબેન તથા ડ્રાઇવર ગજેન્દ્રસિંહ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મહેશભાઈને વધુ સારવાર અર્થે શહેરની જી.જી. હોસ્પિટલ ખાતે લવાયા હતા. મહેશભાઈ સાથે આ વેળાએ રૂ.એક લાખ રોકડા તેમજ આઠ તોલાનો સોનાનો ચેન તથા મોબાઈલ ફોન મળી અંદાજિત 6 લાખથી વધુની રકમનો કિંમતી સામાન હતો જે તમામ સામાન 108 ના નિષ્ઠાવાન અને કર્મઠ સ્ટાફ દ્વારા મહેશભાઈના પરિવારજનોને હેમખેમ સુપરત કરી પ્રમાણિકતાના દર્શન કરાવ્યા હતા. તાત્કાલિક સારવારની સાથે સાથે કિંમતી સામાન પણ પરત મળતા મહેશભાઈના પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી હતી અને 108 એમ્બ્યુલન્સના કર્મયોગીઓનો અંત:કરણ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.જ્યારે પ્રમાણિકતા દાખવવા બદલ 108 ઇ.એમ.આર.આઈ.ગ્રીનના જિલ્લા અધિકારી વિશ્રુત જોશીએ બંને કર્મયોગીઓની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.