જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે યોજાનાર મતદાનને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યાં છે. ત્યારે આજે સાંજે પાંચ વાગ્યાથી વિધાનસભાની ચૂંટણીઓના પ્રચાર-પ્રસાર કાર્ય બંધ થઇ જશે. જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે 3800થી વધુ કર્મચારીઓ ચૂંટણી ફરજમાં રોકાશે. ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાઇ અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ, એસઆરપી, હોમગાર્ડ અને બીએસએફના જવાનો તૈનાત રહેશે.
જામનગર જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠક ઉપર તા. 1 ડિસેમ્બરના રોજ મતદાન યોજાનાર છે. 12 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદારો 1289 બુથ ઉપર મતદાન કરી શકે તે માટે આવતીકાલથી જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકના ડિસપેચ સેન્ટર ઉપરથી ચૂંટણી ફરજનો સ્ટાફ મતદાન મથક ઉપર પહોંચતો થશે. મતદાનનો 48 કલાક અગાઉ આજથી પ્રચારકાર્ય બંધ થશે. સભાઓ, રેલીઓ ઉપર આજથી પ્રતિબંધ લાગતાં ઉમેદવારો ડોર-ટુ-ડોર લોકસંપર્ક યોજશે.
જામનગર જિલ્લામાં કુલ 1289 મતદાન મથકો છે. જેમાં બુથ ડીથ એકએક ક્ધટ્રોલ યુનિટ, બેલેટ યુનિટ અને વીવીપેટ મુકાશે. જે માટે તંત્ર દ્વારા રિઝર્વ સહિત કુલ 1735 બેલેટ અને ક્ધટ્રોલ યુનિટ, 1953 વીવીપેટ મળી કુલ 5423 મશીનોની ફાળવણી કરી છે. બે વખત રેન્ડમાઇઝેશન બાદ હવે આવતીકાલે ત્રીજા રેન્ડમાઇઝેશન બાદ તમામ ઇલેકટ્રોનિક સેટ અને સાહિત્ય ચૂંટણી ફરજના સ્ટાફને સોંપાશે. ચૂંટણી માટે કુલ 3867 કર્મચારીઓને ફરજ સોંપાઇ છે. જામનગરની પાંચ વિધાનસભા બેઠકો માટે નક્કી કરાયેલ પાંચ ડિસપેચ સેન્ટર ઉપરથી આવતીકાલે ચૂંટણી સ્ટાફ રવાના થશે.