Friday, October 18, 2024
Homeરાજ્યહાલારદ્વારકા જિલ્લામાં 3500થી વધુ લોકોનું સ્થળાંતર

દ્વારકા જિલ્લામાં 3500થી વધુ લોકોનું સ્થળાંતર

- Advertisement -

રાજ્યના દરિયાકાંઠા વિસ્તારો પર તોળાઈ રહેલા સંભવિત વાવાઝોડા ‘બિપરજોય’ના ખતરા સામે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની રાહબરી તેમજ જિલ્લા કલેક્ટર અશોક શર્માના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. લોકોની સુરક્ષા તેમજ બચાવ – રાહત કાર્ય માટે જિલ્લામાં 300થી વધુ પોલીસ અધિકારીઓ, જવાનો તેમજ 500થી વધુ જી.આર. ડી., એસ.આર. ડી.ના જવાનો તહેનાત કરાયા છે. દરિયા કાંઠે ચુસ્ત પોલીસ સુરક્ષા ગોઠવાઈ છે. દ્વારકા જિલ્લામાં રાત સુધીમાં વાવાઝોડાના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાંથી આશરે 3500 થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. જ્યારે પ્રભારી સચિવ પ્રવીણ સોલંકી પણ દ્વારકા તહેનાત છે. હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એન.ડી.આર.એફ.ની બે તથા એસ.ડી.આર. એફ.ની બે ટૂકડી તહેનાત કરી દેવામાં આવી છે. જેમાંથી 25 જવાનો તેમજ અધિકારીઓ સહિત 30 લોકોના સંખ્યાબળ વાળી એન.ડી.આર.એફ.ની એક ટીમ દ્વારકા ખાતે તહેનાત છે. જ્યારે 22 જવાનો સહિત 25નું સંખ્યાબળ ધરાવતી એસ.ડી.આર.એફ.ની એક ટીમ દ્વારકા જ્યારે બીજી ટીમ રાવલ નગર માટે સ્ટેન્ડ બાય રખાઈ છે.જિલ્લા આરોગ્ય વિભાગે આગોતરો સર્વે કરીને 149 પ્રસૂતાઓને સલામત સ્થળે ખસેડી છે. જેમાંથી છેલ્લા 24 કલાકમાં 60 સગર્ભાઓની સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવાઈ છે. સગર્ભાઓના સ્થળાંતર માટે 50 જેટલી એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

દ્વારકા જિલ્લામાં આકસ્મિક આરોગ્ય સેવાની તૈયારીનાં ભાગરૂપે રાજ્યકક્ષાએથી અલગ-અલગ નવ મેડીકલ ટીમ તથા 9 ડોકટરોની પ્રતિ નિયુક્તિ કરવામાં આવી છે. આ ટીમ અલગ-અલગ સરકારી હોસ્પિટલોમાં મુકાઈ છે. નિષ્ણાંત તબીબી સેવાઓ માટે સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ દ્વારકા ખાતે વધારાની એક તબીબી મેડીકલ ટુકડીને રાજ્ય કક્ષાએથી પ્રતિનિધિયુકતિ પર મુકવાનો આદેશ કરાયો છે. જેમાં ઓર્થોપેડિક સર્જન, એનેસ્થેટીક વગેરે ડોકટરોનો સમાવેશ થશે. જેથી નાની મોટી કોઈપણ ઈજાની સારવાર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે થઈ શકે. શાળાઓમાં તા. 16-06-2023 સુધી રજા જાહેર કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ડાયાબીટીસ અને હાયપરટેન્શનના 14029 દર્દીઓને જિલ્લાના તમામ કોમ્યુનીટી હેલ્થ ઓફિસર/આરોગ્ય કર્મચારીઓ દ્વારા તેમના ઘરે-ઘરે જઈને બે અઠવાડિયાની દવાઓ પહોચાડવાની કામગીરી કરાઈ રહી છે. અતિ કુપોષિત 6 બાળકોને ઘરે પૌષ્ટિક ભોજન પહોંચાડયું છે. જિલ્લાના કુલ 127 દર્દીઓ ડાયાલીસીસ સારવાર હેઠળ છે. જેમાં કુલ 44 દર્દીઓ એવા છે કે જેના મંગળવારે અને બુધવારે ડાયાલીસીસ થવાના છે, એવા તમામ દર્દીઓને તેમના સેન્ટર ઉપર સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

જિલ્લામાં રોડ પર પડેલા વૃક્ષો, વીજપોલ, હોર્ડિંગ્સ હટાવવા માટે માર્ગ અને મકાન વિભાગની રાજ્ય અને પંચાયતની ટીમો ખડેપગે કામ કરી રહી છે. જ્યારે વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવા તેમજ સંલગ્ન વ્યવસ્થા માટે પીજીવીસીએલના બંને ડિવિઝન દ્વારા ટીમોની રચના કરીને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

ઓખાના મધદરિયે વેદાંતા કંપનીના ઓઇલ રીગમાં 50 કર્મચારીઓ કામ કરી રહ્યા હોવાની માહિતી મળતાં કોસ્ટ ગાર્ડ દ્વારા કર્મચારીઓને એરલિફ્ટ કરી સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 18 જેટલા કર્મચારીઓને એરલીફ્ટ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

- Advertisement -

જિલ્લા કલેકટર કચેરી, ખંભાળિયા ખાતે કાર્યરત કંટ્રોલરૂમ દ્વારકા ગ્રામ્ય વિસ્તારોમાં સરપંચ, તલાટી વગેરેનો સંપર્ક કરીને માહિતી મેળવીને સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દ્વારકાના વરવાળા સ્થિત સાયકલોન સેન્ટરની મુલાકાત લઈ અસરગ્રસ્ત નાગરિકોને સરકાર હંમેશા તેમની સેવા તથા સલામતી માટે પ્રતિબદ્ધ છે તેવો વિશ્ર્વાસ અપાવ્યો હતો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા દ્વારકાના જગત મંદિરમાં વહીવટદાર ઓફિસ ખાતે શહેરના વ્યાપારીઓ તથા વિવિધ સમાજના આગેવાનો સાથે સંભવીત વાવાઝોડાં અસરને લઈને મિટીંગ યોજાઈ હતી.જેમાં મંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે, સંકટના સમયમાં પ્રવાસીઓની મદદ કરવીએ આપણા સૌની જવાબદારી છે. ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા દૂર દૂરથી પધારતા યાત્રાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય તે માટે વહીવટી તંત્રનો સહયોગ આપી આપણે સૌ આવનારા સંકટ સામનો કરવો જોઇએ. દિવ્યંગો,બાળકો, મહિલાઓ તથા વયોવૃદ્ધ વ્યક્તિઓની તકેદારીઓ રાખવી. તથા જે કોઈપણ પ્રવાસીઓ અત્યારે હોટેલમાં કે રોકાયા છે જ્યારે ભારે પવન ફૂંકાઇ ત્યારે બહાર ન નિકળવા અપીલ કરી હતી. ઇમરજન્સી સમયે વહિવટી તંત્ર સાથે સતત સંપર્કમાં રહી ઓછામાં ઓછી મુશ્કેલીઓ પડે તેની તકેદારી રાખવા પણ જણાવ્યું હતું. તેમજ સૌ સાથે મળી વાવાઝોડાં રૂપી સંકટ સામનો કરવા અપીલ કરી હતી.
આ પહેલા મંત્રી સંઘવીએ વાવાઝોડાના સંભવિત અસરગ્રસ્ત વિસ્તાર તેમજ ઓખા જેટીની મુલાકાત લીધી હતી અને વવાઝોડા સામેની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ તકે ધારાસભ્ય પબુભા માણેક, દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર અશોક શર્મા, રેન્જ આઇજી અશોક કુમાર યાદવ, પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય, દ્વારકા પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિ, જિલ્લા ભાજપ પ્રમુખ મયુર ગઢવી, વિવિધ સમાજના આગેવાનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular