ગુજરાત સહીત દેશભરમાં 16 જુલાઈથી વેક્સિનેશન શરુ કરવામાં આવ્યું છે. દેશમાં 18વર્ષથી ઉપરના તમામ લોકોનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ જામનગરમાં વેક્સિનેશનના આંકડાઓની માયાજાળ સમજવી મુશ્કેલ છે. જામનગર મહાનગર પાલિકા દ્વારા 16 જાન્યુઆરીથી 20જુલાઈ સુધી જામનગર શહેરમાં વેક્સીનના જે ડોઝ ફાળવવામાં આવ્યા છે તે આંકડાઓ કરતા વધારે લોકોએ તો વેક્સીન લઇ લીધી છે. તેમાંથી પણ કેટલા ડોઝ વેસ્ટેજ ગયા તે અંગે પણ કોઈ માહિતી અપાઈ નથી. ઉપરાંત શહેરમાં જેટલા ડોઝ ફાળવવામાં આવ્યા છે તેના 10% જ કોવેક્સિનના ડોઝ બાકીના 90% કોવિશિલ્ડના ડોઝ ફળવવામાં આવ્યા છે.
જામનગર મહાનગર પાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ 16 જાન્યુઆરીથી 20 જુલાઈ સુધી જામનગર શહેરમાં વેક્સીનના 346590 ડોઝ આપવામાં આવ્યા છે. જે પૈકી 309150 કોવીશીલ્ડના અને 37,440 કોવેક્સિનના ડોઝ ફાળવવામાં આવ્યા છે. પરંતુ કોર્પોરેશન દ્વારા રોજે જાહેર કરવામાં આવતા વેક્સિનેશનના આંકડાઓની વાત કરવામાં આવે તો શહેરમાં 2,91,341 લોકોએ વેક્સીનનો પ્રથમ ડોઝ જયારે 79,915 લોકો વેક્સીનના બન્ને ડોઝ લઇ ચુક્યા છે. એટલે કે 22 જુલાઈ સુધીમાં જામનગરમાં વેક્સીનના 3,71,256 ડોઝ અપાયા છે.
જયારે 20જુલાઈ સુધીમાં શહેરને 3,46,590 ડોઝ જ મળ્યા છે. તો લોકોને વધારાના 24,666 ક્યાંથી આપવામાં આવ્યા ? આ ઉપરાંત જે ડોઝ વેસ્ટેજ ડોઝ ગયા તેની ગણતરી પણ કરાઈ નથી. શહેરમાં અનેક વખત વેક્સિનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે તો તેના માટે જામનગર મહાનગર પાલિકાએ કેટલા ડોઝ ફાળવ્યા તે અંગે પણ તે અંગે પ્રશ્નાર્થ ઉભો થાય છે. શહેરમાં રસીકરણના આંકડાઓની આ માયાજાળ સમજવી ઘણી મુશ્કેલ છે. તો બીજી તરફ વેક્સીનની અછત વચ્ચે અઠવાડીયામાં 2દિવસ રસીકરણ બંધ રાખવામાં આવે છે. પરિણામે બાકીના દિવસોએ પણ રસીકરણ કેન્દ્રો પર લોકોની લાંબી લાઈનો લાગે છે પરંતુ રોજે માર્યાદિત સ્ટોક હોવાના લીધે રસીકરણની પ્રક્રિયા ધીમી ચાલી રહી છે.