દેશમાં કોરોનાની બીજી લહેરે ચારેકો હાહાકાર મચાવ્યો છે. અમુક રાજ્યોમાં તો લોકડાઉન જેવી જ સ્થિતિ છે. તેનાથી દેશમાં એપ્રિલ મહિનામાં જ બેરોજગારી એટલી ઝડપે વધી ગઈ કે લાખો લોકોએ તેમની રોજગારી ગુમાવવી પડી છે.
મુંબઈની એક થિંક ટેન્ક સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (સીએમઆઈઈ) દેશમાં બેરોજગારીના આંકડા એકત્રિત કરે છે. તેના એક રિપોર્ટ અનુસાર એપ્રિલમાં દેશમાં બેરોજગારીનો દર 8%ના સ્તરે પહોંચી ગયો હતો. જે 16 મેએ પૂરા થયાના અઠવાડિયામાં 14.34% નોંધાઈ છે જે આ વર્ષમાં સૌથી વધારે છે. બેકારીદર 49 અઠવાડિયાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે.
સીએમઆઈઈના એમડી મહેશ વ્યાસે કહ્યું કે કોરોના વાઈરસના ચેપને રોકવા માટે અનેક પ્રકારના પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. તેની અસર રોજગાર પર થઇ છે અને હજુ પણ દેશનો અનએમ્પ્લોઈમેન્ટ આઉટલુક નબળો થયો છે. કોરોનાની બીજી લહેરની અર્થતંત્ર પર અસર એ વાત પર નિર્ભર કરશે કે કોરોના સંક્રમણ પર કેટલી જલદી કાબુ મેળવી લેવાય છે.