આ ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે. જયારે આ સપ્તાહમાં જ મુંબઇ અને દક્ષિણ ગુજરાત સુધી પહોંચી જવાની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. બીજી તરફ ચોમાસાની ચાલ ભારે તોફાની જણાઇ રહી છે અને દેશના અનેક ભાગોમાં ચોમાસા પહેલાંનો તોફાની વરસાદ કહેર મચાવી રહ્યો છે. બંગાળમાં આકાશી વીજળીએ 20 માનવીનો ભોગ લીધો છે. આસામમાં ભારે વરસાદે પૂરની પરિસ્થિતિ નિર્માણ પામી છે. મહારાષ્ટ્રના અનેક ભાગોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તો ગુજરાતમાં પણ અનેક સ્થળોએ ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. હવામાન તજજ્ઞોએ અગાઉ જ ગ્લોબલ વોર્નિંગને કારણે ભારતમાં ચોમાસું તાંડવ મચાવે તેવી દહેશત વ્યકત કરી છે.
દક્ષિણ બંગાળમાં વીજળી પડવાને કારણે ઓછામાં ઓછા 20 લોકોનાં મોત થયા છે તેમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર વીજળી પડવાને કારણે મુર્શિદાબાદમાં 9 અને હૂગલીમાં 9 લોકોનાં મોત થયા છે. જ્યારે પૂરબા મેદિનિપુર જિલ્લામાં વીજળી પડવાને કારણે બે લોકોનાં મોેત થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર મુર્શિદાબાદ જિલ્લામાં વીજળી પડવાને કારણે અન્ય ત્રણ લોકો ઘાયલ થયા છે. તેમને સારવાર માટે જાંગીપુર હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતાં. ઉલ્લેખનિય છે કે કોલકાતા સહિતના દક્ષિણ બંગાળમાં આજે બપોરથી ધોધમાર વરસાદ પડયો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ પશ્ચિમ બંગાળમાં વીજળી પડવાને કારણે મૃત્યુ પામેલા લોકો અંગે દુ:ખ વ્યક્ત કર્યુ હતું અને તેમણે મૃતકોના પરિવારજનોને બે લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
સાઉથ-વેસ્ટ મોન્સૂન મહારાષ્ટ્રના અલીબાગ પહોંચી ગયું છે અને બે દિવસમાં મુંબઇમાં પ્રવેશશે. ત્યાર બાદ 11થી13 જૂન વચ્ચે સુરત સહિત દ.ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થવાની શક્યતાઓ સેવવામાં આવી છે. આ સાથે 10મીએ બંગાળ ખાડીની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અને આ બે વરસાદી સિસ્ટમથી ચોમાસું બેસવાની શક્યતા છે. દરમિયાન આજે વહેલી સવારે સુરત સિટીમાં બે કલાકમાં 1 ઈંચથી વધુ વરસાદથી વરાછા વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હતાં. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 11થી 13 જૂન દરમિયાન ચોમાસું વિધિવત બેસી જાય એવી સંભાવના વર્તાઇ રહી છે.
હવામાનશાસ્ત્રી દેવચરણ દુબેએ જણાવ્યું હતું કે સાઉથ-વેસ્ટ મોન્સૂન હાલમાં મહારાષ્ટ્રના અલીબાગ ખાતે પહોંચી ગયું છે. આગામી બે દિવસમાં મુંબઇ તરફ ચોમાસું પહોંચશે અને ત્યાર બાદ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે. 10 જૂન દરમિયાન બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. આ સિસ્ટમને કારણે છત્તીસગઢ, ઓડિશા, મધ્યપ્રદેશ થઇ ગુજરાતમાં વરસાદ થશે. સાઉથ-વેસ્ટ મોન્સૂન અને બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમથી અરબી સમુદ્ર ઉપર 10 જૂન બાદ દક્ષિણ પશ્ચિમી પવનો વધુ સક્રિય થશે, જેથી 11થી 13 દરમિયાન સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે. આ સમયગાળા દરમ્યાન ચોમાસું ઓનસેટ થવાની શક્યતા પ્રબળ છે. સુરત શહેરમાં સતત ચોથા દિવસે વરસાદ નોંધાયો છે. વહેલી સવારે બે કલાકમાં જ 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. 1 ઈંચ વરસાદમાં જ પાણી ભરાવાથી પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી ગઈ હતી. વરસાદને પગલે વરાછાના પુણા અને ગાયત્રીનગરમાં પાણી ભરાઈ ગયાં હતાં. પાણી ભરાવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ગોઠણ સુધીના પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો. સુરતમાં પુણાના મેઈન રોડ પર ગોઠણ સુધીનાં પાણી ભરાવાને કારણે વાહનચાલકોને રોંગ સાઈડમાં જવાની ફરજ પડી હતી. ચાર દિવસ સુધી હવામાન વિભાગે ગાજવીજ, વીજળી ત્રાટકવાના અને 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે વરસાદની આગાહી કરી છે. આજે સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા- નગરહવેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, દીવ, બીજા દિવસે સુરત, ભરૂચ, વડોદરા, નવસારી, વલસાડ, દમણ, દાદરા-નગરહવેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દીવ, ત્રીજા દિવસે દમણ, દાદરા-નગરહવેલી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ગીર-સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટ, પોરબંદર દીવ અને ચોથા દિવસે દમણ, દાદરા-નગરહવેલી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ગીર-સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર, પોરબંદર, દીવમાં આ સ્થિતિ જોવા મળી શકે છે.