4 રાજ્યમાં વિધાનસભા ચૂંટણી જાહેર થયા બાદ ભાજપે તાબડતોબ પ્રચારનો પ્લાન તૈયાર કર્યો છે. 27 માર્ચે બંગાળ અને આસામમાં પ્રથમ તબક્કાની ચૂંટણી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળમાં 20 અને આસામમાં 6 રેલી કરશે જ્યારે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડાની બંગાળ અને આસામમાં અંદાજે 50-50 ચૂંટણી રેલી કરવાની તૈયારી છે.
પ્રચારની સત્તાવાર શરૂઆત મોદી 7 માર્ચે બ્રિગેડ મેદાનમાં રેલી સાથે કરશે. જોકે, પશ્ચિમ બંગાળ ભાજપે મોદીની 25-30 રેલી યોજવાની માગ કરી હતી. આમ, પશ્ચિમ બંગાળમાં ભાજપે જોરશોરથી ચૂંટણીપ્રચાર માટે તડામાર તૈયારીઓ આરંભી દીધી છે. બીજી તરફ મુખ્યમંત્રી મમતા બેનરજીના નેતૃત્ત્વ હેઠળ તૃણમૂલ કોંગ્રેસે તેમ જ કોંગ્રેસ-ડાબેરી પક્ષોના ગઠબંધને પણ ચૂંટણીપ્રચારની તૈયારીઓ આરંભી દીધી છે.
યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ મંગળવારે બંગાળની મુલાકાતે હતા. તેમણે માલદામાં એક ચૂંટણીસભામાં કહ્યું કે એક સમયે ભારતને નેતૃત્ત્વ આપનારું બંગાળ આજે બદહાલ છે. અહીં ‘જય શ્રીરામ’ના નારા નથી લગાવવા દેવાતા. જે રામદ્રોહી છે તેનું ભારતમાં અને બંગાળમાં કોઇ કામ નથી.