જામનગર શહેરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં બે રહેણાંક મકાનમાં તસ્કરોએ ત્રાટકીને રૂા.34,500 ની કિંમતના ત્રણ મોબાઇલની ચોરી કરી નાશી ગયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી તસ્કરોનું પગેરૂ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં નવાગામ ઘેડ ખડખડનગરમાં મેલડી માતાજીના મંદિર પાસે રહેતાં ચેતન રામકિશન કુશ્વાહ નામના યુવાન વેપારીના મકાનમાં બુધવારના મધ્યરાત્રિના સમયે અજાણ્યા તસ્કરો ત્રાટકયા હતાં અને મકાનમાંથી રૂા.15,500 ની કિંમતના સેમસંગનો એમ32 અને રૂા.14 હજારની કિંમતનો રિયલ મી આરએમએકસ 3151 નંબરનો મોબાઇલ ચોરી કરી ગયા હતાં તેમજ બાજુમાં રહેતાં યુવાનના મકાનમાંથી તસ્કરોએ રૂા.5000 ની કિંમતનો પોકો કંપનીનો એમ-2 મોબાઇલ મળી કુલ રૂા.34,500 ની કિંમતના ત્રણ મોબાઇલની ચોરી કરી નાશી ગયા હતાં. બાદમાં આ અંગેની જાણ કરતા પીએસઆઇ સી.એમ. કાંટેલિયા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.