જોડિયા તાલુકાના પીઠડ ગામમાં આવેલા પ્લોટ વિસ્તારમાં રહેતાં વૃધ્ધના મકાનમાં રાત્રિના સમયે છ અજાણ્યા શખ્સોએ કોયતો અને પથ્થર વડે દરવાજાને ધકકો મારી વૃધ્ધને ઓસીકા વડે ગળે ડુમો આપી પાંચ હજારના મોબાઇલની લૂંટ ચલાવી બારીના કાચ તોડી નાખ્યાના બનાવમાં પોલીસે લૂંટારુઓની શોધખોળ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ, જોડિયા તાલુકાના પીઠડ ગામના પ્લોટ વિસ્તારમાં રહેતા હેમરાજ મોહનભાઇ મેંદપરા (ઉ.વ.70) નામના વૃદ્ધ રવિવારે મધ્યરાત્રિના અરસામાં તેના ઘરે નિંદ્રાધિન હતાં તે દરમિયાન છ અજાણ્યા લૂંટારુઓ એ મચ્છીમટન કાપવાના કોયતા અને પથ્થર વડે દરવાજાના નકુચા તોડી મકાનમાં પ્રવેશ કરી નિંદ્રાધિન વૃધ્ધના મોઢે ઓસીકા વડે ડુમો દઈ રૂા. 5000 ની કિંમતનો મોબાઇલ ફોનની લૂંટ ચલાવી હતી તેમજ ઘરના રસોડાની બારીના કાચ તોડી રાત્રિના અંધારામાં જ પલાયન થઈ ગયા હતાં. ત્યારબાદ વૃદ્ધે જાણ કરતા પીએસઆઈ ડી.પી. ચુડાસમા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આ બનાવ અંગે છ અજાણ્યા લૂંટારુઓ વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
જોડિયા તાલુકાના પીઠડમાં વૃદ્ધના મોઢે ડુમો દઈ મોબાઇલની લૂંટ
રવિવારે મધ્યરાત્રિના દરવાજા તોડી લૂંટારુઓ ત્રાટકયા : રસોડાની બારીના કાચ તોડી નાખ્યા