જામનગરના 78- ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજાએ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ થયેલા ચાંદિપુરા વાયરસના દર્દીઓ તેમજ કોલેરાગ્રસ્ત દર્દીઓની મુલાકાત લીધી હતી, અને તેઓના ખબર પૂછ્યા હતા. ઉપરાંત તમામ દર્દીઓને સારવાર અને જરૂરી આરોગ્ય સુવિધાઓ સંબંધિત જી.જી. હોસ્પિટલના ડીન ડો. નંદીની દેસાઈ તથા અન્ય તબીબી અધિકારીઓ સાથે બેઠક યોજીને સમીક્ષા કરી હતી.
તાજેતરમાં ઋતુ ફેરબદલ થતાં જામનગરમાં કોલેરાના કેસો તેમજ હાલમાં નાના બાળકોમાં ફેલાયેલો ચાંદીપૂરા રોગના કેસ જામનગરમાં નોંધાયા છે, અને સરકાર દ્વારા સંચાલિત જી. જી. હોસ્પિટલ માં સારવાર મેળવી રહ્યા છે. દરમિયાન જામનગરના 78 વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજાએ જી.જી. હોસ્પિટલ માં ઉપરોક્ત તમામ દર્દીઓની મુલાકાત લઈને વર્તમાન વ્યવસ્થાનુ નિરીક્ષણ કર્યું હતું, અને દાખલ થયેલા તમામ દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા.
આ ઉપરાંત જીજી હોસ્પિટલના ડીન ડો. નંદીની દેસાઈ તથા અન્ય તબીબી અધિકારીઓને દર્દીઓની સત્વરે અને સધન સારવાર સંબંધે જરૂરી સૂચના આપી હતી. આ દરમિયાન ધારાસભ્ય રિવાબા જાડેજાની સાથે જામનગર મહાનગરપાલિકાના શાસકપક્ષના નેતા આશિષભાઈ જોષી, જી.જી. હોસ્પિટલના વિભાગીય અધિકારીઓ અને મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.