જામનગરની જી. જી. હોસ્પિટલમાં રેનબસેરાની સુવિધા ઉપલબ્ધ કરાવવા ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા આરોગ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
જામનગર (ઉત્તર) વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા જી. જી. હોસ્પિટલ નવી બનાવવાની કાર્યવાહી હાથ ધરવા બદલ આરોગ્યમંત્રીને આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ વધુમાં જણાવ્યું હતું કે, જી. જી. હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓના સગાઓને રહેવા માટે જગ્યા ઉપલબ્ધ ન હોય, દર્દીઓના સગાઓને પાર્કિંગની જગ્યામાં અથવા તો ઓ.પી.ડી. બંધ હોય તેની બહારના એરિયામાં સૂવાની ફરજ પડે છે. જી. જી. હોસ્પિટલ આખા સૌરાષ્ટ્રમાં સારવારની સુવિધા પૂરી પાડતી એકમાત્ર હોસ્પિટલ હોય, જામનગર તથા આજુબાજુના ચાર જિલ્લાના દર્દીઓ સારવાર માટે આવતાં હોય છે. નવું બિલ્ડીંગ બનવા જઇ રહ્યું હોય, તેનાથી જી. જી. હોસ્પિટલમાં સુવિધા છે તેનાથી અનેકગણી સુવિધા મળશે. તેથી સારવાર માટે અન્ય જિલ્લાઓમાંથી અનેક દર્દીઓ સારવાર આવશે અને તેમની સાથે સગાં-વ્હાલાંઓ આવશે. આથી આ બાબતને ઘ્યાને લઇ જૂની પોલીસ લાઇનવાળી પડતર જગ્યામાં અથવા જી. જી. હોસ્પિટલની માલિકીની જગ્યામાં અથવા પથિકાશ્રમવાળી જગ્યામાં દર્દીઓના સગાં-વ્હાલાંઓને રહેવાની વ્યવસ્થા માટે રેનબસેરાની સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગણી કરવામાં આવી છે.


