દ્વારકા જિલ્લામાં મીઠાપુર વિસ્તારમાં 35 વર્ષિય હિન્દુ વાઘેર યુવાનને મોડી રાત્રિના સમયે રિસામણે બેઠેલી પત્નિને મળવા ગયેલા આ યુવાનને તેના પત્નિ, સાળા તથા સાસુએ તીક્ષ્ણ હથયારો વડે યુવાનનું ઢીમઢાળી દિધું હોય આ અંગે મૃતકના ભાઇની ફરિયાદના આધારે દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક સુનીલ જોશી તેમજ નાયબ પોલીસ અધિક્ષક ચૌધરી ખંભાળિયા વિભાગની સુચનાથી મીઠાપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ પી.બી.ગઢવી, પીએસઆઇ જે.જી.ઝાલા તથા મીઠાપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા ખુનના આરોપી સમજુબેન ખેંગારભા માણેક (ઉ.વ.30), ખેંગારભા બુધાભા ભઠડ (ઉ.વ.25) તથા ધનબાઇ બુધાભા ભઠડ (ઉ.વ.60)ને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ચકચારી બનાવની વિગત મુજબ દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા ખેંગારભા સુમલાભા માણેક નામના આશરે 35 વર્ષના હિન્દુ વાઘેર યુવાનને તેમની ધર્મપત્ની સમજુબેન સાથે કોઈ બાબતનું મનદુ:ખ હોય, છેલ્લા આશરે બે માસથી સમજુબેન તેઓના પાંચ વર્ષિય પુત્ર આર્યન સાથે પોતાના માવતરે રિસામણે બેઠી હતી. આ દરમિયાન ગત રાત્રીના આશરે સવા વાગ્યાના સમયે ખેંગારભા માણેક પોતાના માવતર રહેલા પત્ની સમજુબેનને મળવા સુરજકરાડીના શક્તિનગર વિસ્તારમાં જતા કોઈ કારણોસર ઉશ્કેરાઈ ગયેલા તેમના પત્ની સમજુબેન, સાળા ખેંગારભા બુધાભા ભઠડ અને સાસુ ધનબાઈ બુધાભા ભઠડ પાઈપ, કુહાડી જેવા હથિયારો વડે તૂટી પડયા હતા. પત્નીના રિસામણે હોવા બાબતનો ખાર રાખી, તીક્ષ્ણ અને ઘાતક હથિયારો વડે ખેંગારભાઈ માણેક પર સાસુ, સાળા અને પત્નિ તૂટી પડતાં તેઓ ઘટના સ્થળે જ ફસડાઈ પડયા હતા અને લોહીલુહાણ હાલતમાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
મીઠાપુર પોલીસ દ્વારા આ ખુનના ગુન્હાના આરોપીઓને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી હતી. આ કામગીરી પીઆઇ પી.બી.ગઢવી, પીએસઆઇ જે.જી.ઝાલા, હે.કો.ખીમાણંદભાઇ આંબલીયા સર્વેલન્સ સ્ટાફ મીઠાપુર, હે.કો.કિશોરભાઇ મેર દ્વારકા પોલીસ સ્ટેશન, પોલીસ કોન્સટેબલ જયપાલસિંહ જાડેજા તથા વિજયભાઇ વારોતરિયા દ્વારા કામગીરી કરાઇ હતી.