જામનગરની સરકારી પોલિટેકનિક કોલેજમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ સાથે અણછાજતું વર્તન કરવામાં આવતું હોવાની રાવ સાથે યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખી પ્રિન્સિપાલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું છે કે, કોલેજના વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો દ્વારા અણછાજતું વર્તન કરવામાં આવે છે. કલાસમાં અપશબ્દો બોલવામાં આવે છે. તેમજ ઇન્ટરનલ માર્કસ ના મૂકવાની ધમકી આપવી, મેન્ટલી હેરાન કરવા, હોસ્ટેલમાં પાણીની સમસ્યા છે તે અંગે ફરિયાદ કરવામાં આવે તો વિદ્યાર્થીઓની સમસ્યા નિવારવાના બદલે વિદ્યાર્થીઓને જે છે એ પરિસ્થિતિ સાથે એડજેસ્ટ કરવા માટે કહેવામાં આવે છે.
આથી આ અંગે એક કમિટી બનાવી તમામ ફરિયાદોની તપાસ કરવા અને સમસ્યાનું નિવારણ કરવા અને શિક્ષકો સામે બેદરકારી અંગે પગલાં લેવા માગણી કરવામાં આવી છે. જામનગર યુવક કોંગ્રેસ પ્રમુખ ડો. તૌસિફખાન પઠાણ, જામનગર ઉત્તર યુવક કોંગ્રેસ મંત્રી શક્તિસિંહ જેઠવા, એનએસયુઆઇ ગુજરાત મહામંત્રી ક્રિપાલસિંહ જાડેજા, એનએસયુઆઇ જામનગર શહેર પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ, એનએસયુઆઇ જામનગર જિલ્લા પ્રમુખ સન્નીભાઇ આચાર્ય સહિતના હોદ્ેદારો દ્વારા વિદદ્યાર્થીઓને સાથે રાખી આવેદનપત્ર પાઠવ્યું હતું.