જામનગરના રણજીતસાગર રોડ પર ઇલેકટ્રીકના વેપારી સાથે છ લાખની છેતરપિંડી લુહાર શખ્સે આચર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર આવેલી નંદનવન સોસાયટી પાસે રહેતાં સુનિલ ડાયાભાઈ દુધાગરા નામના યુવાનની કોમલ ઈલેકટ્રોનિકસ નામની દુકાનેથી મિનેશ અતુલ પિત્રોડા નામના શખ્સે રૂા.5,99,000 ની કિંમતની ઇલેકટ્રોનિકસની જુદી જુદી ચીજ વસ્તુઓની ખરીદી કરી હતી અને આ ખરીદી પેટેે મિનેશે વેપારીને રૂા.5,60,000 ની રકમનો ચેક આપ્યો હતો અને બાકીના 39 હજાર રૂપિયા ચેક પાસ થયા પછી આપવાનો વાયદો કર્યો હતો. બાદમાં મિનેશે વેપારીના પુત્રના નામનો આપેલો ચેક બેંકમાં ડિપોઝીટ કરતા આ ચેક રિટર્ન થયો હતો. જેથી વેપારી સુનિલભાઈ એ તપાસ કરતાં આરોપી મિનેશ પિત્રોડાનું એકાઉન્ટ બ્લોક હોવાનું જણાતા વેપારીએ પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીએસઆઈ વી.કે.ગઢવી તથા સ્ટાફે સુનિલભાઈના નિવેદનના આધારે મિનેશ વિરૂધ્ધ રૂા.5,99,000 ની કિંમતનો સામાન લઇ છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધી આરોપીની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.