કોરોનાકાળમાં લોકડાઉન અને સંક્રમણ વચ્ચે દેશના અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે અને ગુજરાત પણ તેમાંથી બાકાત નથી ત્યારે આ સમયમાં વિદેશી રોકાણકારોને આકર્ષવામાં ગુજરાત સફળ રહ્યું છે. કોરોનાકાળમાં જ ગુજરાતમાં એક વર્ષમાં 2.23 લાખ કરોડનું વિદેશી રોકાણ આવ્યું છે. દેશમાં આવેલા કુલ એફડીઆઇમાં 37 ટકા હિસ્સા સાથે ગુજરાત પ્રથમ નંબરે રહ્યું છે.
સમગ્ર દેશમાં વર્ષ 2020-21માં 6.20 લાખ કરોડનું વિદેશી મૂડીરોકાણ આવ્યું છે જેમાં ગુજરાત બાદ બીજા ક્રમે 27% સાથે મહારાષ્ટ્ર અને 13% સાથે કર્ણાટક ત્રીજા ક્રમે રહ્યું છે. મૂડીરોકાણ કરનારા દેશોમાં સિંગાપોર 29% અને અમેરિકાથી 23%નું રોકાણ ભારતમાં આવ્યું છે. મોરેશિયસથી 9 ટકા રોકાણ થયું છે.
યુએસએના રોકાણમાં 227 ટકાનો અને યુકેના રોકાણમાં 44 ટકાનો વધારો થયો છે. ગત વર્ષની સરખઆમણીએ કોમ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર, રબર ગૂડ્સ, રીટેઇલ ટ્રેડીંગ, ફાર્મા, ઇલેક્ટ્રીકલ ઇક્વીપમેન્ટ ક્ષેત્રે મૂડીરોકાણમાં 100%નો વધારો જોવા મળ્યો છે. 44% સાથે સોફ્ટવેર, હાર્ડવેરનું ક્ષેત્ર રોકાણ માટે ટોપ પર છે.
ગુજરાતમાં સૌથી વધુ 94% રોકાણ કોમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર ક્ષેત્રમાં આવ્યું છે. આ ક્ષેત્રે દેશના કુલ મૂડીરોકાણમાં ગુજરાતનો હિસ્સો 78 ટકા છે. બીજા ક્રમે ક્ધસ્ટ્રક્શન – ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક્ટીવિટીઝ ક્ષેત્રે 2 ટકા વિદેશી રોકાણ થયું છે.