જોડિયા તાલુકાના વાવડી ગામથી બાદનપર ગામ નજીક ભરવાડ સમાજના સમૂહલગ્નમાં જતાં આધેડ બાઇકચાલકને રાત્રિના સમયે અંધારાને લીધે ડાઇવર્ઝનના માટીના ઢગલા ન દેખાતાં બાઇક પરથી પટકાયેલા આધેડનું ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ જોડિયા માર્ગ પર બની રહેલા નવા માર્ગના કારણે અનેક ડાઇવર્ઝન આવેલા છે. આ ડાઈવર્ઝનમાં રાત્રિના સમયે અકસ્માતો બને છે. ત્યારે જોડિયા તાલુકાના વાવડી ગામમાં રહેતાં અને મજૂરીકામ કરતાં અરજણભાઇ પબાભાઇ ટોયટા (ઉ.વ.50) નામના આધેડ ગુરૂવારે સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં તેના ગામથી બાઇક નંબર જીજે10 એડી 7762 ઉપર બાદનપર ગામ નજીક ભરવાડ સમાજના સમૂહલગ્ન યોજાયા હતા ત્યાં જતાં હતા. દરમ્યાન બાદનપર ગામથી કુનડ ગામના પાટિયા પાસે આવેલા નાળા નજીક ડાઇવર્ઝન હતું. રાત્રિના અંધારાના કારણે આ ડાઇવર્ઝન પાસે માટીના ઢગલાં પડયા હતાં.
દરમ્યાન બાઇકચાલકને અંધારાના કારણે માટીના ઢગલા ન દેખાતાં માટીના ઢગલામાંથી બાઇક પસાર થતાં કાબૂ ગૂમાવી દેતાં સ્લીપ થઇ પડી જતાં પથ્થરમાં માથુ અથડાતાં આધેડને શરીરે તથા માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના ભાઇ કનુભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. એમ. ડી. શિયાર તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરથી જોડિયા જવાનો માર્ગ હાલ નવો બની રહ્યો છે અને આ લાંબા રોડ પર મોડીસાંજે અથવા તો રાત્રિના સમયે ટ્રાફિક અવરજવર પણ ઓછી હોય છે અને તેમાં પણ આ રોડ પર અનેક ડાઇવર્ઝન આવેલા હોય જેથી વાહન અકસ્માતની સંભાવના અનેકગણી વધી જાય છે ત્યારે તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને સૂચના આપી ડાઇવર્ઝન પાસે રાત્રિના સમયે લાઇટ લગાડવી જરૂરી બની ગઇ છે. કેમ કે, અંધારાના કારણે વાહન અકસ્માતમાં મોત નિપજવાની શક્યતાઓ અનેકગણી વધુ છે. ત્યારે ગુરૂવારે રાત્રિના થયેલા અકસ્માત મોતના બનાવ બાદ તંત્ર અને કોન્ટ્રાક્ટર શું જાગૃતતા દાખવશે…?


